વાગડ બાદ પશ્ચિમ કચ્છમાં પણ તંત્ર આવ્યું હરકતમાં : જતાવીરા ગામે એરવાલ્વમાંથી લેવાયેલા ગેરકાયદેસરના કનેકશનો તાત્કાલિક કરાયા કટ : જિલ્લા કલેકટરની સૂચનાથી તાલુકાના અધિકારીઓ દ્વારા બોલાવાયો સપાટો

 

નખત્રાણા : છેવાડાના પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં પુરતા પ્રમાણમાં પાણીનો પુરવઠો મળતો ન હોવાની ઉઠેલી ફરિયાદોને પગલે જિલ્લા કલેકટરના હુકમથી વહીવટીતંત્ર સફાળુ જાગ્યું હતું અને નખત્રાણા પંથકમાં લાઈન વચ્ચેથી ચોરી કરનારા તત્વો પર પાણી પુરવઠા બોર્ડ દ્વારા ધોંસ બોલાવાઈ હતી.

નર્મદા લાઈનના એરવાલ્વમાંથી અનેક સ્થળોએ ગેરકાયદેસર કનેકશન લેવાયા છે, ત્યારે આવા ભૂતિયા કનેકશન મેળવીને પાણીચોરી કરતા શખ્સો સામે તવાઈ બોલાવાઈ હતી. એર વાલ્વમાંથી થતી મોટાપ્રમાણની પાણીચોરીને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પુરતું પાણી ન મળતું હોવાની ફરિયાદો પણ ઉઠતી હતી. એર વાલ્વમાંથી ગેરકાયદેસર કનેકશન મેળવવા ઉપરાંત તેમાંથી પાણીનો પણ વ્યાપક વેડફાટ થતો હતો. પરિણામે તેને અટકાવવા માટે તાલુકા કક્ષાએ પ્રાંત અધિકારી દ્વારા સૂચના આપતા ટીમો બનાવીને આવા તત્ત્વો પર રોક લગાવવા પગલાં ભરાયા હતા. આજે સવારે નખત્રાણા તાલુકાના જતાવીરા ગામે નર્મદા લાઈનના એર વાલ્વમાંથી ગેરકાયદેસરના પાણીના કનેકશનો જોવા મળયા હતા, જેને તાત્કાલિક કાપવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા કરાયેલી કાર્યવાહીને કારણે પાણીચોરોમાં ફફડાટ ફેલાયો હતો. નખત્રાણાના પ્રાંત અધિકારી જી.કે. રાઠોડની સૂચનાથી પાણી પુરવઠા વિભાગના ના.કા.ઈ. વી.એ. શ્રીવાસ્તવ, માર્ગ મકાન પંચાયત વિભાગના ના.કા.ઈ. એમ.એ. ટોપીવાલા, ના.કા.ઈ વી.ડી. ભંડારકર સહિતની ટીમો દ્વારા કાર્યવાહી કરાઈ હતી. જિલ્લા કલેકટર રેમ્યા મોહનની સૂચનાથી નખત્રાણા ઉપરાંત લખપત તાલુકામાં પણ ટીમો દ્વારા ચેકિંગ કરીને ભૂતિયા કનેકશનો સામે કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here