હવે કચ્છમાં મ્યુકરમાઇકોસીસનો ફફડાટ : ઈન્જેક્શનનો કકળાટ

ડાયાબીટીસ ધરાવતા કોવિડ દર્દીઓને બિમારીનો ચેપ લાગવાની શક્યતા વધુ : હાલમાં કચ્છમાં એક માત્ર જી.કે.માં જ રોગની અપાય છે સારવાર : ૩૦ બેડના અલાયદા વોર્ડમાં હાલ ૮ દર્દી દાખલ : મ્યુકરમાઇકોસીસની સારવાર માટેના ઇન્જેક્શન પણ મળવા મુશ્કેલ

ભુજ : કચ્છમાં કોરોના મહામારીનો કેર હજુ શમ્યો નથી ત્યાં મ્યુકરમાઇકોસીસ રોગનો ફેલાવો ઝડપથી વધી રહ્યો છે. જે દર્દીઓ કોરોનામાંથી રિકવર થયા છે અને ડાયાબીટીસ ધરાવે છે તેવા દર્દીઓને આ બિમારીનો ચેપ લાગવાની શક્યતા વધુ છે. મહત્વની બાબત એ છે કે, આ રોગની સારવાર માટે જરૂરી એવા ઈન્જેક્શન મળવા જિલ્લામાં અત્યારથી જ અત્યંત મુશ્કેલ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગેની વિગતો મુજબ કચ્છ સહિત રાજ્યભરમાં કોરોના પછી મ્યુકરમાઇકોસીસના કેસો ઝડપથી વધી રહ્યા છે. કોરોના બાદ અતિ જીવલેણ સાબિત થતો રોગ જિલ્લામાં જેટ ગતિએ વધતા ચિંતા વ્યાપી ગઈ છે. કચ્છના પડોશી એવા રાજકોટ અને મોરબીમાં આ બિમારીએ માજા મુકતા કચ્છમાં પણ કેસો દેખાવાનું શરૂ થયું છે. ૪૦ વર્ષથી વધુ આયુના દર્દીઓ કે જેઓ ડાયાબીટીસ સહિતની બિમારી ધરાવે છે. તેઓમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી આ રોગનો ચેપ લાગી રહ્યો છે. બિમારીના લક્ષણોમાં નાક બંધ થવું, આંખમાં દુઃખાવો, નાકમાંથી પાણી પડવું, એક આંખમાં ઓછું દેખાયું, ફંગસ સહિતના લક્ષણો જોવા મળે છે. આ બિમારીની સીધી અસર દર્દીની આંખ અને મગજ પર થાય છે. કોરોનામાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટ્યા બાદ આ બિમારીથી આંખ અને મગજ પર વધુ અસર થતી હોવાથી બીમારીનો ફેલાવો શરીરમાં ઝડપથી પ્રસરે છે. આ બીમારીના કારણે શરીરમાં ફુગની સમસ્યાઓ પણ સામે આવી રહી છે. દહેગામમાં કોરોનામાંથી સાજા થયેલા મહિલાને દાંતમાં દુઃખાવા બાદ ફુગ હોવાનું માલુમ પડયું તેઓની આરોગ્ય ચકાસણી થતા મ્યુકરમાઇકોસીસ હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જો કે, તબિયત લથડતા કોરોનામાંથી સાજા થયેલા મહિલાએ મ્યુકરમાઇકોસીસથી દમ તોડયો હતો, જેથી કહી શકાય કે કોરોનાથી રિકવર થયેલા દર્દીઓ માટે આ બિમારી શરૂઆતના તબક્કામાં ઘાતક સાબિત થઈ રહી છે. કચ્છમાં આ બિમારીના કેસો દેખાવાનું પાછલા દસેક દિવસોથી શરૂ થઈ ગયા છે. જિલ્લામાં એક માત્ર જી.કે. જનરલ હોસ્પિટલમાં આ રોગની સારવાર થાય છે. મ્યુકરમાઇકોસીસની સારવાર માટે એમ્ફોટોરિસિન-બી ઇન્જેક્શન જરૂરી છે. જીવલેણ માનવામાં આવતા મ્યુકરમાઇકોસીસને કારણે દર્દીઓના જીવનનું જોખમ વધી રહ્યું છે. તેવામાં નિષ્ણાતો માની રહ્યા છે કે આ રોગનો આકરો સમય આવવાનો છે. આ કિસ્સામાં ફક્ત ડોક્ટર્સ જ નહીં, સરકાર માટે પણ તે એક મોટો પડકાર છે. તબીબો એવું કહે છે કે, ૧૪ થી ૨૨ દિવસની સારવાર વચ્ચે દર્દીને ઇન્જેક્શન આપવા જરૂરી છે. પણ ઇન્જેક્શન નથી મળી રહ્યાં જેથી મુશ્કેલી પડી રહી છે. સરકારે વહેલી તકે ઇન્જેક્શનની વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે. આ બાબતે જી.કે. જનરલ હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડો. નરેન્દ્ર હિરાણીએ કહ્યું કે, જિલ્લામાં જી.કે. જનરલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસની સારવાર થાય છે. હાલ ૩૦ બેડની ક્ષમતાનો અલગ વોર્ડ ઉભો કરાયો છે, જેમાં આજની સ્થિતિએ આઠ દર્દી સારવાર લઈ રહ્યા છે. ઈન્જેક્શનની ઘટ બાબતે કહ્યું કે, હા જિલ્લામાં ઈન્જેક્શનની શોર્ટેજ છે. ડાયાબીટીસ સાથે કોવિડ હોય તેવા દર્દીઓને આ બિમારીનો ચેપ લાગવાની શક્યતા વધુ હોવાનું ઉમેર્યું હતું.