હવેથી કુંભમાં જવા માટે કોરોના ટેસ્ટ નેગેટિવ હોવો જરૂરી

(જી.એન.એસ.)દહેરાદૂન,કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાને રાખીને ઉત્તરાખંડમાં યોજાઈ રહેલા કુંભમાં પણ તેની અસર વર્તાઈ છે. ઉત્તરાખંડની હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, કુંભમાં આવતા તમામ લોકોને આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજિયાત છે. હાઈકોર્ટે મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતનો એ નિર્ણય આકરી ટિકા કરી છે, જેમાં તેમણે ટેસ્ટ વગર જ કુંભમાં આવવાની પરવાનગી આપી દીધી હતી.કુંભ મેળાને લઈને જાહેર હિતની અરજીની સુનાવણી કરતા હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન કડકાઈ સાથે પાલન કરવામાં આવે.સાથે જ હાઈકોર્ટે કહ્યુ હતું કે, જે લોકો વૈક્સિન લગાવી ચુક્યા છે, તે લોકો જો પોતાનું સર્ટિફિકેટ બતાવે તો, તેને છૂટ મળી શકે છે. બાકીના તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવાનો થશે અને રિપોર્ટ નેગેટિવ આવવો જરૂરી છે.આપને જણાવી દઈએ કે, ઉત્તરાખંડમાં આ મહિને જ કુંભ મેળો શરૂ થયો છે. પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત તરફથી પહેલા કુંભમાં આવતા લોકોને કડકાઈનું પાલન કરવા કહ્યુ હતું અને ટેસ્ટ નેગેટિવ આવે તો જ પ્રવેશ આપવામાં આવશે, તેવા નિર્ણય લેવાયા હતાં. જો કે, હવે તીરથ સિંહ મુખ્યમંત્રી બન્યા છે અને તેમને આ નિર્ણય બદલી ટેસ્ટ વગર જ પ્રવેશવાની મંજૂરી આપી દીધી હતી.