હવામાનની હિટવેવની આગાહી, આગામી ૫ દિવસ ૪૨ ડિગ્રી રહેશે તાપમાન

abcotvs.com

(જી.એન.એસ)અમદાવાદ,કોરોનાના મહા કહેરમાં ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેને જોઈને લાગે છે કે આ વખતે ઉનાળો આકરો સાબિત થશે. હાલ રાજ્યના મોટાભાગના શહેરમાં ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળે છે. જેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં રાજ્યમાં આવનારા ૫ દિવસ દરમિયાન ગરમીનો પારો ૪૨ ડિગ્રી પાર કરી શકે છે. સાથે આજથી ૫ દિવસ સુધી અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં હવામાન વિભાગે હીટ વેવની આગાહી કરી છે. અમદાવાદ સહિત ૮ શહેરોમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો ૩૯ ડિગ્રીને પાર થયો છે.હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં સતત વધી રહેલા તાપમાનનો પારોને જોતા આકરા હીટ વેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ વૃદ્ધો, નાના બાળકો તથા પહેલાથી બીમારી ધરાવતા હોય તેવા લોકોના તડકામાં બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે. સાથે જ અન્ય લોકોએ પણ તડકામાં ઘરેથી બહાર નીકળતા સમયે માથું ઢાંકવું તથા ખુલ્લા કોટનના કપડાં પહેરવા.અમદાવાદ ૪૧.૭ ડિગ્રી સાથે ‘હોટેસ્ટ સિટી’ બની રહ્યું હતું. આગામી ૧૬ મે સુધી અમદાવાદમાં ૪૧થી ૪૩ ડિગ્રી વચ્ચે સરેરાશ મહત્તમ તાપમાન રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં આગામી ૪-૫ દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નહિવત્‌ છે. જોકે, આ સપ્તાહના અંતે ગરમીના પ્રમાણમાં વધારો થઇ શકે છે. ‘હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમીનું જોર યથાવત્‌ રહેશે અને ૧૮મે સુધીમાં તાપમાન ૪૪ ડિગ્રી સુધી પહોંચી શકે છે. જોકે, મે મહિનાના ચોથા સપ્તાહ બાદ ગરમીનું પ્રમાણ તબક્કાવર ઘટતું જશે. આજે દિવસ દરમિયાન અમદાવાદ ઉપરાંત ગાંધીનગર (૪૧.૦), સુરેન્દ્રનગર (૪૧.૦)માં ૪૧ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાંથી અન્યત્ર રાજકોટમાં ૪૦.૮, વડોદરામાં ૪૦.૬, અમરેલીમાં ૪૦.૪, ડીસામાં ૪૦.૨, ભૂજમાં ૩૮.૨, ભાવનગરમાં ૩૮.૧, સુરતમાં ૩૫.૬ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.અમદાવાદની વાત કરીએ તો શહેરમાં રવિવારે તાપમાનનો પારો ૪૨ ડિગ્રી સુધી પહોંચી શકે છે. એવામાં બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ શકે છે. પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને જોતા પાણીનું તથા લીંબું પાણી કે પાણીનું પ્રમાણ વધારે હોય તેવા ફળોનું સેવન લોકોએ કરતા રહેવું જોઈએ. જેથી શરીરમાં ડિહાઈડ્રેશન થતું રોકી શકાય.રાજ્યમાં અન્ય શહેરોમાં સુરેન્દ્રનગરમાં શુક્રવારે ૪૧.૫ ડિગ્રી, રાજકોટ-કંડલામાં ૪૧.૨ ડિગ્રી, ડીસામાં ૪૧ ડિગ્રી, અમરેલીમાં ૪૦.૫ ડિગ્રી, કેશોદમાં ૪૦.૧ ડિગ્રી, વડોદરામાં ૩૮.૬ ડિગ્રી, સુરતમાં ૩૨.૩ ડિગ્રી અને ગાંધીનગરમાં ૩૮.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી બે દિવસ દરમિયાન કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમાં હીટ વેવની સ્થિતિ રહેશે.રાજ્યમાં કાતિલ હીટવેવની આગાહી બાદ હવે ૧૪ મેના રોજ હવામાન વિભાગ દ્વારા બીજી એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ગુજરાતમાં આગામી ૧૪મેના રોજ એક લો પ્રેશર સક્રિય થવાની સંભાવના દર્શાવી છે. દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થશે. લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થવાની પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ લો પ્રેશર સક્રિય થતા હવામાન વિભાગનું સતત મોનિટરિંગવ ચાલી રહ્યું છે.