હળવદ હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ચિત્રોડના આધેડનું મોત

ટ્રકનું ટાયર ફાટતા ચાલકે કાબુ ગુમાવી બંધ પડેલ ટ્રક સાથે અથડાવતા બનાવ

ગાંધીધામ : કચ્છની ભાગોળે હળવદ હાઈવે પર આવેલ હોટલ મંગલ પાસે ટ્રકનું ટાયર ફાટતા રોડ પર બંધ પડેલ ટ્રક પાછળ ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં મુળ રાપર તાલુકાના ચિત્રોડના અને હાલ સામખિયાળીમાં રહેતા આધેડનું મોત નિપજયું હતું. જ્યારે અન્ય ટ્રકના ડ્રાઈવરને ઈજાઓ પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ મંગળવારની મોડી રાત્રીના હળવદ હાઈવે ઉપર આવેલ હોટલ મંગલ પાસે કચ્છ તરફથી અમદાવાદ તરફ જતી ટ્રકના ડ્રાઇવર ભીખુભાઈ હમીરભાઇ રાવતા (ઉંમર ૪૯ રહે. મુળ ચિત્રોડ તાલુકો રાપર હાલ રહે. સામખિયાળી) નામના આધેડ ટ્રકને રોડની સાઈડમાં ઉભી રાખી ટાયર ચેક કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવતી ટ્રકનું ટાયર ફાટતા તેના ચાલક વિશાલભાઈ શંકરરામજી રાજપુતે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બંધ પડેલ ટ્રકની પાછળ ધડાકાભેર ટક્કર મારતા ભીખુભાઈને ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે વિશાલભાઈને ઈજા પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મૃતકની લાશને પી.એમ. માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.