સ્વૈચ્છિક લોકડાઉનના નામે નેતાઓ ભુજમાં દુકાન બંધ કરાવી શકતા હોય તો હાલમાં કેમ ખોલાવી ન શકે

તંત્રની અપીલને માન આપી વેપારીઓએ ૩ દિવસ સ્વૈચ્છિક બંધ પાળ્યું પરંતુ અધકચરા લોકડાઉનથી ભુજના હજારો વેપારીઓની આંખોમાં મજબૂરીના આંસુ : હવે અડધો કલાક પણ વેપારીઓ દુકાન બંધ રાખી શકે તેવી સ્થિતિ નથી : શહેરના તમામ વેપારી એસોસિએશનો એક જ સૂર ‘ગમે તે કરો દુકાન ખોલાવો’ : ભુજની આજુ – બાજુના ગામડાઓના વેપાર ચાલુ હોય ત્યારે શહેરની દુકાનો બંધ તે કેવી રીતે ચાલે…? વેપારીઓનો સુર

ભુજ : શહેરમાં કોરોના સંક્રમણ વધતા નગરપાલિકા, ચેમ્બર ઓફ કોમર્સ અને તંત્રએ મિટિંગો યોજી શહેરમાં વિક એન્ડ લોકડાઉન લગાવ્યું હતું. તે સમયે શહેરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભુજના તમામ વેપારીઓએ બંધ પાળ્યો હતો. પરંતુ સરકારે આ વાતનો ગેરફાયદો ઉઠાવી નિયંત્રણના નામે ભુજની અડધી દુકાનો બંધ અને અડધી દુકાનો ચાલુ રખાવતા વેપારીમાં આક્રોશ હવે સાતમા આસમાને પહોંચી ગયો છે. સ્વૈચ્છિક લોકડાઉન વખતે દુકાનો બંધ રાખવા જે વેપારીઓ એક સંપ થયા હતા. તે તમામ વેપારીઓ આજે દુકાનો ખુલ્લી કરવા માટે એક સંપ થયા છે.આ અંગેની જો વાત કરીએ તો ભુજમાં અધકચરૂં લોકડાઉન લગાવાયું છે. મેડિકલ, અનાજ, કરિયાણા, બેકરી સહિતની દુકાનો ખુલ્લી જયારે બાકીની દુકાનો બંધ રખાવાઈ છે. માણસોને ફરવાની છુટ અને વેપારીઓને ધંધા બંધ રાખવાના નિર્ણયથી ભારોભાર રોષ ફેલાયો છે. શું ધંધા બંધ રાખવાથી કોરોના ભાગી જશે ? તેવો સવાલ ઉઠાવાયો છે. બીજીતરફ ભુજના અમુક વિસ્તારોમાં જ દુકાન બંધ રાખવી જયારે શહેરની ચારે કોર ૩થી ૪ કિ.મી.ની ત્રિજ્યા બાદ તમામ વ્યવસાયોને છુટ આ પ્રકારના અણઘડ નિર્ણયથી આક્રોશ ફેલાયો છે.વેપારીઓ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, પમી તારીખ સુધી વેપારીઓએ સંયમ જાળવ્યો પરંતુ નિયંત્રણો ૧રમી મે સુધી લંબાવી દેવાતા હવે દુકાન બંધ રાખવી અશકય બાબત છે. ત્યારે ભુજના વાણિયાવાડ વેપારી એસોસિયેશન, તળાવ શેરી વેપારી એસોસિએશન, છઠ્ઠીબારી વેપારી એસોસિએશન, અનમરિંગ રોડ વેપારી એસોસિએશન, ભુજ બુલિયન મર્ચન્ટ એસોસિએશન, શરાફ બઝાર વેપારી એસોસિએશન,ભુજ મોબાઈલ એસોસિએશન, સરપટ ગેટ વેપારી એસો., ઘડિયાળ વેપારી એસો, લારી ગલ્લા વેપારી એસો., બસ સ્ટેશન વેપારી, હોસ્પિટલ રોડ વેપારી એસો. ફૂટવેર વેપારી એસો., સોની બજાર વેપારી એસો., શેરી ફેરિયા વેપારી એસોસિએશનના તમામ વેપારીઓ એક સંપ થયા છે. વિરોધ કરવા માટે નહીં પરંતુ દુકાનો ખુલ્લી રખાવવા વેપારીઓ એક થયા છે. વેપારીઓ કોરાના ગાઈડ લાઈન પ્રમાણે દુકાન ખોલવા તંત્રને અપીલ કરી છે.વેપારી અનિલ ડાભીએ જણાવ્યું કે, શહેરના તમામ વેપારી એસોસિએશનો મળી ૭પ૦થી ૮૦૦ દુકાનોના વેપારીઓ એક થયા છે. એક દુકાન સાથે પથી ૬ લોકો રોજીરોટી મેળવતા હોય છે. અધકચરા લોકડાઉનથી પ૦ હજાર લોકોની રોજીરોટી બંધ છે. દુકાનો બંધ અને લોકોને ફરવાની છુટ છે. સ્વૈચ્છિક લોકડાઉન વખતે આજ વેપારીઓ કોરોનાની ચેઈન તોડવા એક સંપ થયા હતા. પરંતુ આ અધકચરા લોકડાઉનથી અમે સહમત નથી. ભલે ટાઈમ લિમિટ કરો, પરંંતુ દુકાનો ખોલવા દો, વેપારીઓ દુકાન ખોલશે તો જ ભુજની ગાડી પાટા પર ચડશે. હાલમાં વેપારીઓ ઘણો આક્રોશ હોવાનું પણ કહ્યું હતું.વેપારીઓએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, દુકાનો બંધ અને ઓનલાઈન વેપાર ચાલુ છે તે યોગ્ય નથી. ઓનલાઈન વેપાર બંધ કરવા માટે માંગણી કરી હતી. સ્વૈચ્છીક લોકડાઉન વખતે નગરપાલિકા અને ચેમ્બર ઓફ કોમર્સની અપીલને માન આપી વેપારીઓએ બંધ પાળ્યો પણ આજે આ જ વેપારીઓ બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે ગમે તે કરો પણ અમારી દુકાન ખોલાવો. કચ્છનું પાટનગર ભુજ અને ભુજના સૌથી વધુ હજાર વેપારીઓ આજે એક સંપ થયા છે. જો નેતાઓની અપીલને માન આપી વેપારીઓ દુકાન બંધ રાખી શકતા હોય તો આજ નેતાઓ દુકાન ખોલાવી દે. આજે અમારી આંખમાં મજબૂરીના આંસુ છે, આવતીકાલે લોહીના આંસુ હશે. અમે હવે અડધો કલાક પણ બંધ રાખી શકીએ તેવી સ્થિતિ નથી. વેપારીઓએ ત્યાં સુધી કહ્યું કે, અમે રજૂઆત કરશું તો જવાબદારો એક જ વાત કહેશે. તમારી લાગણી ઉપર સુધી પહોંચાડશું અરે જો તમારામાં તાકાત હોય તો વેપારીઓનો અવાજ બની દુકાનો ખોલાવવામાં મદદરૂપ બનો અને વેપારીઓને હુંફ આપો કચ્છના નેતાઓને દુકાનો ખોલાવવા લલકાર પણ ફેંકયો હતો. ગઈકાલે વેપારી સંગઠનની મીંટીંગમાં લેવાયેલા નિર્ણય બાદ આજે ચેમ્બર ઓફ કોમર્સ અને નગરપાલિકામાં દુકાનો ખોલાવવા સંદર્ભે રજૂઆત કરાઈ હતી.

વેપારીઓની માંગણી સરકાર અને તંત્ર સમક્ષ કરાશે : નગરપતિ

ભુજ : લોકડાઉનને કારણે ભુજમાં વેપારીઓની હાલત કફોડી બની છે. વેપારીઓએ આજે ઉગ્ર દેખાવ કરીને દુકાનો ખોલાવવાની માંગ કરી હતી. ભુજમાં બજારો બંધ છે, પરંતુ માધાપર – મિરજાપરમાં મેળાઓ જામે છે, તો ત્યાં સંક્રમણ ફેલાવાતું નથી ? આવી વિવિધ માંગો સાથે વેપારીઓએ ભુજ સુધરાઈના પ્રમુખને રજૂઆત કરી હતી ત્યારે પ્રમુખે તેમની માંગણી સરકાર અને તંત્ર સુધી પહોંચાડવાની હૈયાધારણા આપી હતી. ફોરવર્ડીંગ લેટર તૈયાર કરીને કલેક્ટર અને સરકારને મોકલવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું નગરપતિ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું.