સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બહેનોની છેલ્લા એક મહિનાથી ચાલતી મુક સેવાને વંદન

ભુજ : સામાન્ય રીતે સંપ્રદાયના ધર્મ નિયમોના ચુસ્ત પાલન અને કથાવાર્તા સાથે મંદિરોમાં વ્યસ્ત રહેતાં સંપ્રદાયના સાંખ્યયોગી (સાધ્વી) બહેનો દેશ અને સમાજ ઉપર આવી પડતી દરેક મુશ્કેલીઓમાં પણ પાછીપાની કરતાં નથી.
વર્તમાનમાં સુખપરના સાર્વજનીક હિંદુ સ્મશાનમાં સ્વયંસેવક ભાઇઓ બહેનો કોરોનાગ્રસ્ત મૃતદેહોના ધાર્મિક વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરી રહ્યાની જાણ થતાં જ ગામના ત્રણેય મંદિરોના આ સાધ્વી બહેનો મૃતદેહો માટે દરરોજ સવારે મંદિરેથી ભગવાનની પ્રસાદીના તાજા ફૂલહાર, અનેક પવિત્ર સરોવરના પાણી સાથે ગંગાજળ, તુલસીની માળા અને ઘી સહિતની સામગ્રી શ્રધ્ધાપુર્વક સ્મશાને પહોંચાડી રહ્યા છે. તે ઉપરાંત પોતાને હાથે બનાવેલ રસોઇ ઠાકોરજીને જમાડીને છેલ્લા એક મહિનાથી બપોરનું પ્રસાદીરૂપ ભોજન સેવા કરતા સ્વયંસેવકોને નિયમિત પહોંચાડી રહ્યા છે અને હજી પણ જે આવશ્યકતા જણાય તે સેવાનો નિસંકોચ લાભ આપવાની હૈયાધારણા સાથે મૃતાત્માઓના આત્માની શાંતિ અને કોરોના જલ્દી શાંત થાય એનાં માટે ભગવાનને સતત પ્રાર્થના કરી રહ્યા છે. સ્વામિનારાયણ મંદિરના કોઠારી પાર્ષદ પુ. જાદવજી ભગત આદી અનેક સંતો અને સ્વામિનારાયણ ક્ન્યા વિધામંદિરનું ટ્રસ્ટી મંડળ પણ નિયમિત સ્વયંસેવકોના સ્વાસ્થયની પુછા કરવા સાથે ઉનાળાના આકરા તાપ અને ગરમીમાં રાહત આપવા તરબુચ, સક્કરટેટી જેવા ફળ અને મૃતદેહોને અંતિમવિધી માટે પહોંચાડવા ૨૪ કલાક ખડે પગે સેવા આપતા એમ્બ્યુલન્સ ચાલકોને પણ નિયમિત ભગવાનના પ્રસાદનો લાભ આપી રહ્યાની નોંધ લઇને સંઘના તાલુકા કાર્યવાહ વિરમભાઈ ભુડીયાએર્‌સંતો અને સાંખ્યયોગી બહેનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ છે.