સ્મૃતિવન પ્રોજેકટમાં મ્યુઝીયમના કામે પકડી ગતિ

જીએસડીએમએ દ્વારા નવી એજન્સીને સોંપાયું કામ : એજન્સીએ બે મોટા ડોમ વેરહાઉસ માટે ઉભા કર્યા : મ્યુઝીયમના આંતરીક માળખાની રચનાના કામનો ધમધમાટ

ભુજ : કચ્છીઓના હૃદયમાં અંક્તિ ભુજિયા ડુંગરની તળેટીમાં ચાલતા સ્મૃતિવન પ્રોજેકટનું કામ હવે અંતિમ ચરણમાં પહોંચ્યું છે. સ્મૃતિવન પ્રોજેકટમાં મહત્વની બાબત છે. મ્યુઝીયમ જેના કામમાં હવે પ્રગત્તિ આવી છે. માર્ગ મકાન વિભાગ દ્વારા બિલ્ડિંગનું માળખું ઉભું કરાયા બાદ હવે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા આ સ્થળે મ્યુઝીયમની રચના માટે નવી એજન્સીને નિમણુક અપાઈ છે, જેઓ દ્વારા આંતરીક માળખાની રચના માટે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અંગની જો વાત કરીએ તો ભુજ – માધાપર હાઈવે પર ભુજીયા ડુંગરની તળેટીમાં વિશાળ એકરમાં સ્મૃતિવન તૈયાર કરાઈ રહ્યું છે. અત્યાર સુધી સનસેટપોઈન્ટ, ચેકડેમ, બાઉન્ડ્રી, એલઈડી લાઈટ, સિક્યોરિટી પોઈન્ટ, એન્ટ્રીગેટ, રોડ – રસ્તા, પાર્કિંગ, સોલાર લાઈટ, વૃક્ષારોપણ સહિતના પ્રકલ્પો તૈયાર થઈ ચુકયા છે. મુખ્ય કામ છે મ્યુઝીયમનું બાપા સીતારામની મઢુલીની સામે આવેલા ભાગમાંં આ મ્યુઝીયમ પણ બનાવાઈ રહ્યો છે. ખાસ વાત છે કે, આ મ્યુઝીયમમાં ભૂકંપની યાદગીરી તેની સ્મૃતિઓ સહિતની વસ્તુઓ રાખવામાં આવશે, ત્યારે આંતરીક ડિઝાઈનની રચના સહિતની કામગીરી માટે નવી એજન્સીને નિમણુક અપાઈ છે, જે બાબતે ભુજના માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ચિરાગ ડુડિયાએ જણાવ્યું કે, જીએસડીએમએ દ્વારા મ્યુઝીયમની ઈન્ટીરીયર કામગીરી માટે નવી એજન્સી નિમવામાં આવી છે. જેઓ દ્વારા મ્યુઝીયમના બિલ્ડિંગની અંદર, ફર્નિચર સહિતની ડિઝાઈનની કામગીરી કરવામાં આવશે. એજન્સી દ્વારા સ્મૃતિવન પરિસરમાં સાઈટ ઓફિસ તરીકે મોટા ડોમ પણ ઉભા કરાયા છે, જેનો વેર હાઉસ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં મ્યુઝીયમ માટે ત્રણ બિલ્ડિંગના કામ પ્રગત્તિ હેઠળ છે. જેમાં ડિઝાઈન સહિતની ઈન્ટીરીયર બાંધકામની કામગીરી એજન્સી કરશે. પ્રોજેકટની પ્રગત્તિ વિશે જણાવ્યું કે, તમામ પ્રકલ્પો પૂર્ણ થઈ ગયા છે. માત્ર મ્યુઝીયમનું કામ બાકી છે, જેથી મ્યુઝીયમની સાથે તૈયાર પ્રકલ્પોનું ફિનિશીંગ કરી આખરી ઓપ આપવામાં આવે છે. નોંધનીય છે કે, એન્ટ્રી ગેટ પર સ્મૃતિવનના આકર્ષક બોર્ડ પણ મુકવામાં આવ્યા છે. આ વન તૈયાર થયેલી ભુજના લોકો માટે નવલું નજરાણું સાબિત થશે. આવનારા થોડા સમયમાં સ્મૃતિવન લોકો માટે ખુલ્લું મુકાઈ શકે તેમ છે.

આત્મનિર્ભરતા : સ્થાનિક શ્રમિકો વધારે

ભુજ : સામાન્ય રીતે બાંધકામ સાઈટોમાં પરપ્રાંતિય મજૂરોની સંખ્યા વધારે હોય છે, જો કે અહીં વિપરીત સ્થિતિ છે. હોળી – ધુળેટીના તહેવારોમાં વતન ગયેલા પરપ્રાંતિય શ્રમિકો કોરોના અને લોકડાઉનની બિકે પાછા આવ્યા જ નથી. જો કે સ્થાનિક શ્રમિકો વધારે હોવાથી પ્રોજેકટનું કામ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. ના.કા.ઈ. ચિરાગ ડુડિયાએ કહ્યું કે, પરપ્રાંતિય શ્રમિકો વતન ગયા પછી પાછા આવ્યા નથી. જો કે, આપણા પાસે સ્થાનિક શ્રમિકોની સંખ્યા વધુ છે, જેમની મદદથી પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે.