મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એસપીએલનો દબદબાભેર પ્રારંભ : કચ્છ વોરિયર્સને પ્રથમ મેચમાં જ ખમવી પડી હાર

 

ભુજ : સૌરાષ્ટ્ર -કચ્છના ક્રિકેટ રસિયાઓ છેલ્લા લાંબા સમયથી સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનો પ્રારંભ થાય તેની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે  ગુજરાત ભરનાં ક્રિકેટ રસિયાઓની આતૂરતાનો અંત આવ્યો હતો. રાજકોટના સ્ટેડિયમ ખાતે ગત સાજે સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ ક્રિકેટ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતનાં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે આજેથી રોમાંચક મુકાબલાઓ શરૂ થયા છે, જેમાં કચ્છની ટીમ પણ ભાગ લઈ રહી છે. મિની આઈપીએલ સમાન એસ.પી.એલ લીગમાં પાંચ ટીમો પૈકી કચ્છ વોરીયર્સ ટીમ  પ્રથમ મેચમાં જ મેદાને ઉતરી હતી.

રાજકોટના ખંડેરી સ્ટેડીયમમાં મીની આઈ.પી.એલ સમાન એસ.પી.એલનો દબદબાભેર પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એસપીએલનો પ્રારંભ કરાવીને તમામ ખેલાડીઓને શુભેચ્છા પાટવી હતી. પ્રથમ વાર સૌરાષ્ટ્ર પ્રિમીયમ લીગનાં થયેલા આયોજનમાં પાંચ ટીમોએ ભાગ લીધો છે. પ્રથમ મુકાબલામાં કચ્છ વોરીયર્સ અને હાલાર હીરોસની ટીમો સામસામે ટકરાઈ હતી. કચ્છની ટીમમાં ગાંધીધામનાં અગ્નિવેશ અયાચી પેશ બોલર તરીકે ટીમમાં સ્થાન મેળવ્યુ છે. જ્યારે કચ્છ વોરિયર્સનાં કેપ્ટન તરીકે જયદેવ ઉન્નડકટ ટીમની જવાબદારી સંભાળી રહ્યા છે. એસપીએલમાં કચ્છ અને હાલાર ઉપરાંત ગોહિલવાડ, સોરઠ લાયન્સ, ઝાલાવાડ રોયલ્સની ટીમો પણ ભાગ લઈ રહી છે. ગઈકાલથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટ આગામી ૨૨મી મે સુધી ચાલવાની છે. આ ક્રિકેટ લીગનું સ્ટાર વન પર લાઈવ પ્રસારણ કરવમાં આવી રહ્યુ છે. સૌરાષ્ટ્ર- કચ્છમાં આ પ્રથમવાર આયોજનથી ક્રિકેટ રસિયાઓમાં અનેરો ઉત્સાહ અને ખુશીની લાગણી છે. ગઈકાલે યોજાયેલી હાલાર હિરોઝ અને કચ્છ વોરિયર્સની મેચમાં હાલાર હિરોઝે પ્રથમ બેટીંગ કરીને ર૦ ઓવરમાં સાત વિકેટે ૧૪૭ રન ફટકાર્યા હતા. જવાબમાં કચ્છ વોરિયર્સની ટીમે ૭ વિકેટ ગુમાવીને માત્ર ૧ર૩ રન બનાવી શકી હતી અને પ્રથમ મેચમાં હાલાર હિરોઝની જીત થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here