અમુક કચેરીઓમાં ધમધમાટ દેખાડા : દોઢ મહિના સુધી ઘેર બેઠા પગાર લીધા પછી પણ ઓફિસે આવવામાં આળસ : લાંબા સમયથી પેન્ડિંગ કામો પુરા કરવા અરજદારો ઉમટ્યા : મિટીંગોનો ધમધમાટ

ભુજ : કચ્છમાં મિની સચિવાલય સમાન ગણાતા બહુમાળી ભવનમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે કોરોનાના કપરા સમયગાળામાં કર્મચારીઓનું હિત જાેઈને રાજ્ય સરકારે ૫૦ ટકા સ્ટાફ સાથે કામગીરીની છૂટ આપી હતી દોઢ મહિના સુધી ઘેર બેઠા પગાર લીધા બાદ સોમવારથી સો ટકા કર્મચારીઓ સાથે સરકારી કચેરીઓ ધમધમતી થઇ છે પરંતુ બહુમાળી ભવનમાં અધિકારીઓ અને કર્મચારીઓની હાજરી સમ ખાવા પુરતી જાેવા મળી હતી. અમુક સરકારી કચેરીમાં અધિકારી અને કમર્ચારીઓ સો ટકા હાજર રહી પેન્ડીગ પડેલા કામોનું નિકાલ  કરવાનું હાથ ધર્યું છે.

આ અંગેની વિગતો મુજબ જિલ્લા પંચાયત અને જિલ્લા કલેકટર કચેરી સહિતની અન્ય સરકારી કચેરીઓમાં સોમવારે – મંગળવારે અરજદારો અને કર્મચારીઓની મોટી સંખ્યામાં હાજરી જાેવા મળી હતી. બહુમાળી ભવનમાં આવેલ અમુક કચેરીઓમા અરજદારો મોટી સંખ્યામાં હતા પરંતુ કર્મચારીઓ અને અધિકારીઓની ગેરહાજરીના કારણે તેઓ નિરાશ વદને પાછા ગયા હતા. સિંચાઈ, સમાજ કલ્યાણ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર કચેરી, સહકારી મંડળીઓના જિલ્લા રજીસ્ટ્રારની કચેરી રમત ગમત વિભાગની કચેરી સહિતની મોટાભાગની કચેરીઓમાં કોઈ ડોકાયું સ્ટાફને ગેરહાજરી નજરે પડતી હતી. આ બાબતે જિલ્લા કલેકટર કચેરીમાં પણ અમુક અરજદારોએ રજૂઆત કરી હતી અને બહુમાળી ભવનમાં હાજરી બાબતે ચેકીંગ કરવાની માગણી કરી હતી.

કોરોનાના કારણે છેલ્લા દોઢેક મહિનાથી સરકારી કચેરીઓમાં ૫૦% સ્ટાફની હાજરીથી કામ કરવામાં આવતું હતું આ ૫૦ ટકામાં પણ મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાને લગતી કામગીરીમાં અન્ય સ્થળે ફરજ બજાવતા હોવાથી સરકારી કચેરીઓ સુમસામ ભાસતી હતી, અને શનિ – રવિ રજા રાજ્ય સરકારે રજા જાહેર કરી હતી. સોમવારથી સો ટકા સ્ટાફ સાથે કામગીરીનો પ્રારંભ થયો છે. જાેકે પ્રથમ દિવસે શરૂઆતમાં તો મોટાભાગના કર્મચારીઓ એકબીજાના અને તેમના પરિવાર તથા મિત્રોના ખબર અંતર પૂછવામાં લાગી ગયા હોવાથી પ્રથમ એકાદ-બે કલાક તો જાણે નવું વર્ષ બેઠું હોય અને સૌ એકબીજાને સાલ મુબારક કરતા હોય તેઓ માહોલ ઉભો થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર કચેરી, જીલ્લા પંચાયત પાણી પુરવઠા બોર્ડ, જિલ્લા રજીસ્ટ્રાર કચેરી, પીજીવીસીએલ, પાલિકા સહિત તમામ સરકારી અને અર્ધસરકારી કચેરીઓ પૂરેપૂરા સ્ટાફ સાથે ધમધમતી થઇ છે.  કલેકટર કચેરીના જનસેવા , રજીસ્ટ્રાર કચેરીમાં અરજદારો ઉમટી પડ્યા હતા સોમવારથી પુરવઠા ઝોનલ કચેરીઓ શરૂ થઇ જતા અરજદારો જુદા જુદા પ્રકારના દાખલા કઢાવવા અને રેશન કાર્ડમાં સુધારા ,નવા રેશનકાર્ડ કઢાવવા જેવી કામગીરી માટે આવ્યા હોવાનું જાેવા મળતું હતું. આવા જ દ્રશ્યો જિલ્લા પંચાયતમાં જાેવા મળ્યા હતા અત્યાર સુધી આ તમામ કચેરીઓ ૫૦ ટકા સ્ટાફ સાથે કામ કરતી હતી પરંતુ સોમવારે-મંગળવારે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પર ફરજ પર જાેવા મળ્યા હતા અને તેના કારણે ઓફિસોમાં કામકાજના ધમધમાટ સાથોસાથ પાર્કિંગમાં પણ વાહન રાખવાની જગ્યા ન મળે તેવી સ્થિતિ જાેવા મળી હતી.