સોલાર વીજ કંપનીઓને રૂા.૨૨૦૦૦ કરોડ ખર્ચવા પડશે

  • કચ્છના રણમાં વસતા ‘ઘોરાડ’ પક્ષીઓને બચાવવા

રણપ્રદેશની હાઈવોલ્ટેજ વિજલાઈન અન્ડરગ્રાઉન્ડ કરવા સુપ્રીમનો આદેશ : અદાણી, સુઝલોન સહિતની કંપનીઓ મુશ્કેલીમાં

ભુજ : ગુજરાત અને રાજસ્થાનની સોલાર સહિતની વીજ કંપનીઓને સુપ્રીમના આદેશને પગલેે એક મોટો ‘શોક’ લાગ્યો છે. સર્વોચ્ચ અદાલતે તેમની હાઈવોલ્ટેજ વીજલાઈન જે રણક્ષેત્રમાં છે તે અન્ડરગ્રાઉન્ડ કરવાનો આદેશ આપ્યો છે. ખાસ કરીને હાઈવોલ્ટેજ વિજલાઈનમાં પક્ષીઓ વિજપ્રવાહના સંપર્કમાં આવતા મરી રહ્યા છે તેને રોકવા માટે ગુજરાત અને રાજસ્થાનમાં જે વિશાળ સોલાર પાવર પ્રોજેકટ છે તેની હાઈવોલ્ટેજ લાઈનો અન્ડરગ્રાઉન્ડ કરવા આપેલ આદેશથી આ વિજ કંપનીઓને અંદાજે રૂા.૨૨૦૦૦/- કરોડનો ખર્ચ થઈ શકે છે.
ગુજરાતમાં અદાણી ગ્રીન, સુઝલોન, રીન્યુ પાવર, હીરો ફયુચર એનર્જી સહિતની ખાનગી અને સરકારી કંપનીઓ સોલાર વિજ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપી રહી છે અને અનેક પ્લાન્ટ શરુ થઈ ગયા છે. હવે સોલાર ઈન્ડસ્ટ્રીઝ એસો. આ મુદે ફરી સુપ્રીમ કોર્ટમાં જઈને હાઈવોલ્ટેજ વિજ કેબલ અન્ડરગ્રાઉન્ડ કરવાનું શકય ન હોવાની રજુઆત કરશે. કચ્છ-ગુજરાત અને રાજસ્થાનમાં રણપ્રદેશના ‘ઘોરાડ’ તરીકે ઓળખાતા આ પક્ષીઓની સંખ્યા સતત ઘટતી જાય છે અને કચ્છમાં તેનું અભ્યારણ નજીકથી આ વીજલાઈનો પસાર થઈ રહી છે અને તેના સંપર્કમાં આવતા ઘોરાડના મોત થઈ રહ્યા છે.ગુજરાતના કચ્છમાં અને રાજસ્થાન એ દેશના સોલાર પાવર ઈન્ડસ્ટ્રીઝનુૂં ‘હબ’ છે. ઉપરાંત આ બન્ને રાજયમાં રણના પક્ષીઓ ખાસ કરીને ગ્રેઈટ ઈન્ડીયન બસ્ટર્ડ તરીકે ઓળખાતા સુરક્ષિત શહેર થયેલા પક્ષીઓનું પણ વતન છે તેની પાંખને બે મીટરથી વધુ લાંબી ફેલાવી શકે છે. હવે આ પ્રકારના ૧૫૦ પક્ષીઓ જ બચ્યા છે અને તેમાં દર વર્ષે ૧૫% વિજ તાર પર શોક લાગવાના કારણે મૃત્યુ પામે છે. અગાઉ ગ્રીન ટ્રીબ્યુનલે પણ આ પ્રકારના વિજ લાઈનોની આસપાસ પક્ષી ફરકી ન શકે તેવા બર્ડ ડાઈવર્ટર ચાર માસમાં મુકવા આદેશ આપ્યો હતો. તો સર્વોચ્ચ અદાલતે હવે તેને અન્ડરગ્રાઉન્ડ કરવાનો આદેશ આપ્યો છે. રાજયોનો દાવો છે કે જો આદેશમાં સુધારો ન થાય તો અમારે પ્રોજેકટ જ બંધ કરવો પડે તેવી સ્થિતિ છે. સોલાર વિજ ભાવ વધારી શકાય તેવી સ્થિતિ નથી. હાઈવોલ્ટેજની લાઈનમાં ૧ કી.મી. અન્ડરગ્રાઉન્ડ કરવા માટે રૂા.૨૮.૮ કરોડનો ખર્ચ થાય. આ રીતે ૨૫૦૦ કીમીની લાઈનો અન્ડરગ્રાઉન્ડ કરવાનો ખર્ચ રૂા.૨૨૦૦૦ કરોડ થઈ શકે છે.