સોના-ચાંદીમાં રોકાણ કરાવી પ્રલોભન આપી ઠગાઈ આચરનાર શખ્સ ઝડપાયો

ભુજ : સોના અને ચાંદીમાં રોકાણ કરાવી, વધુ ફાયદો કરાવી આપવાનું પ્રલોભન આપીને છેતરપિંડી કરનાર આરોપીને પધ્ધર પોલીસે ઝડપી પાડ્યો હતો. ઠગાઈના ગુનાનો ભેદ ઉકેલીને પોલીસે આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી
પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પધ્ધર પોલીસ મથકે ફરિયાદી બ્યાસ નારાયણ જાંગડેનાએ ગત ૧૯મી ઓક્ટોબર ૨૦૨૦માં ફરિયાદ નોંધાવી હતી. જેમા આરોપી સોનુ મુકેશ નાઈએ ટોપ સ્ટોક શેર બજારમાં સોના-ચાંદીનું રોકાણ કરવાની લાલચ આપી હતી. અને વધુ ફાયદો કરાવી આપવાનું પ્રલોભન આપીને ફરિયાદીને વિશ્વાસમાં લઈને ૬૩ હજાર રૂપિયા પોતાના ખાતામાં ટ્રન્સફર કરાવ્યા હતા. બનાવ અંગે નોંધાયેલી ફરિયાદ બાદ આરોપી નાસતો ફરતો હતો. જે ગુનાનો પધ્ધર પોલીસે ભેદ ઉકેલીને આરોપી સોનુ મુકેશ નાઈને મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડ્યો હતો.
આરોપીના કબ્જામાંથી પોલીસે એક લેપટોપ તેમજે ચાર મોબાઈલે ફોન મળીને કુલ ૨૫ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પધ્ધર પોલીસની આ કાર્યવાહીમાં પીએસઆઈ એસ.આર જાડેજા, એ.એસ.આઈ ઘેવરચંદ મોરીયા, ભગવાનભાઈ રાઠોડ, કોન્સ્ટેબલ ઓખરાજભાઈ રાજપૂત સહિતના જોડાયા હતા.