સુરત ટ્રાફિક પોલીસ હવે કેશલેસ ડિવાઈસથી દંડ વસૂલશે, પાવતી પણ ઓનલાઈન મળશે

સુરત,તા.૨૦ આધુનિક ટેકનોલોજીના સમયમાં પ્રાઇવેટ સંસ્થાઓ તો અપગ્રેડ થઈ ગઈ છે, પરંતુ હવે સરકારી વિભાગ પણ ધીમે-ધીમે પોતાને અપગ્રેડ કરી રહ્યા છે. એવામાં કોરોનાની મહમારીમાં જ્યારે કેટલીક ગાઈડલાઈન બનાવવામાં આવી છે, તેને ધ્યાનમાં રાખી કેટલીક સાવચેતી જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખનીને સુરત શહેરના ટ્રાફિક વિભાગે અપગ્રેડ કરી હવે દંડની વસૂલાત માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. સુરત શહેર પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરના માર્ગદર્શન તેમજ સૂચન મુજબ, સુરતની જનતાને કોન્ટેક્લેસ ચલણ તેમજ તેના કેશલેસ પેમેન્ટ સારૂ આ પહેલ સુરત સિટી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે. જેમાં કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા હેન્ડ છેલ્ડ ડિવાઈસ ૫૦ જેટલા ટ્રાફિક શાખાને આપવામાં આવ્યા છે. કુલ ૫૧ જેટલા ટ્રાફિક નિયમ ભંગના કિસ્સામાં સમાધાન શુલ્ક વસૂલાત માટે સ્થળ પર જ પાવતી આપી શકાશે. તેમજ વસૂલાતની રકમ રોકડ ઉપરાંત પે-ટીમ, ગૂગલ-પે, ડેબિટ કાર્ડ , ક્રેડીટ કાર્ડ , યુપીઆઇ , ભીમ , બારકોડ અને ક્યુ.આર. બારકોડ સ્કેન, નેટ બેકીંગથી પણ કેશલેસ ટ્રાન્સેક્શન કરીને પણ વસૂલાતની રકમ ચૂકવીને પાવતી સ્થળ પર મેળવી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દંડની ભરેલ રકમની પાવતી ઉપરાંત એસ.એમ.એસથી પણ જાણ કરવામાં આવશે. એસ.એમ.એસમાં આવેલ લીંક પર ક્લીક કરવાથી પાવતીની સોફ્ટ કોપી પણ ઉપલબ્ધ થશે જેની પ્રિન્ટ પણ લઈ શકાશે.