સુરજબારી ટોલ ગેટ પર બબાલ : ટ્રાફિક જામ સર્જનારા ઈસમ સામે ફરિયાદ

ડમ્પર ચાલકે ટોલનાકા કર્મચારીઓને કહ્યા અપશબ્દો

ભચાઉ: તાલુકાના જંગી ગામના એક ડ્રાઈવરે પોતાની ટ્રક આગળ જશે પાછળ તો નહીં થાય  એમ  કહીને સુરજબારી ટોલ પ્લાઝા ઉપર ધમાલ મચાવી હતી. ડ્રાઈવરે ત્રણ કલાક સુધી ટ્રાફિકજામ કરી મુક્યો હોવાની લેખિત ફરિયાદ સુરજબારી ટોલ પ્લાઝાના મેનેજરે સમાખીયાળી પોલીસ મથકે નોંધાવી છે. મળતી વિગતો અનુસાર અનુસાર આજે બપોરે ત્રણ વાગ્યે સુરજબારી ટોલ પ્લાઝાના બુથ . 1 પરથી ફાસ્ટ ટેગ વગરની એક સ્વીફ્ટ આવી હતી. ફરજ પરના કર્મચારીએ તેને અન્ય બુથમાંથી પસાર થવાનું કહ્યું હતું. અને કારને રિવર્સમાં લેવા જણાવ્યું હતું. પરંતુ કારની પાછળ બે ડમ્પર ઉભા હતા. જેમાં નંબર પ્લેટ વગરના ડમ્પર ચાલકને ટોલ કર્મી દ્વારા વાહન પાછળ લેવાનું જણાવતા તેનો ચાલક પચાણ પબા રબારી ઉશ્કેરાઈ ગયો હતો. અને હું આજ બુથમાંથી નીકળીશ, મારુ ડમ્પર પાછું નહીં હટે તેવી ઝિદ પકડી હતી. ચાલકને સમજાવવા સુરક્ષા કર્મીએ પ્રયાસ કર્યા હતા. પચાણ રબારીએ અન્ય ડમ્પર ચાલકોને બોલાવી ટોલ બુથ ઊપર અંદાજિત ત્રણ કલાક જેટલા સમય સુધી ટ્રાફિકજામ કરાવ્યો હતો. તેમાં એમયુલન્સ સહિતના વાહનો ફસાઈ ગયા હતા. અને ટોલ પરના સુરક્ષા કર્મચારીઓ સાથે મારકૂટ કરી , ટોલબુથ પર ધમાલ મચાવી નાશી ગયા હતા અને ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે કલાકો સુધી ટ્રાફિકજામ થતાં અનેક વાહનચાલકો મુસીબતમાં મુકાયા હતા. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.