સુપ્રીમ કોર્ટે આપી યુપી પંચાયત ચૂંટણીની મતગણતરીને મંજૂરી

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કોરોનાને અનુલક્ષીને ઉત્તર પ્રદેશમાં પંચાયતની ચૂંટણીની મતગણતરી રોકવાની અરજી મામલે પોતાનો ચુકાદો આપી દીધો છે. કોર્ટે યુપી પંચાયત ચૂંટણીની મતગણતરી માટે મંજૂરી આપી દીધી છે પરંતુ વિજય બાદની ઉજવણીઓ પર પ્રતિબંધ મુક્યો છે.કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે, તેમણે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાખવામાં આવેલી બાબતોને નોટ કરી છે. તેમને અલાહાબાદ હાઈકોર્ટના આદેશમાં દખલ કરવાનું જરૂરી નથી લાગતું. કોર્ટના કહેવા પ્રમાણે તેમના સામે જે પ્રોટોકોલ રાખવામાં આવ્યા છે તેનું સંપૂર્ણપણે પાલન થાય. મતગણતરી કેન્દ્ર બહાર સખત કર્ફ્યુ રાખવામાં આવે અને કોઈ વિજય સરઘસ ન કાઢવામાં આવે.આ સાથે જ યુપી પંચાયત ચૂંટણીની મતગણતરી પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે ૨ મેના રોજ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. દરેક મતગણતરી કેન્દ્ર ખાતે એન્ટીજન ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત મગણતરી કેન્દ્ર પર સેનિટાઈઝેશનનું પણ ધ્યાન રાખવામાં આવશે. પહેલા કોર્ટે રાજ્ય ચૂંટણી પંચને શું મતગણતરી કરવી જરૂરી છે, તેને સ્થગિત ન કરી શકાય તેવો સવાલ કર્યો હતો. સાથે જ જો ૩ સપ્તાહ માટે મતગણતરી રોકી દેવામાં આવે તો કાંઈ આભ નહીં ફાટી પડે તેમ પણ કહ્યું હતું. તેના જવાબમાં ચૂંટણી પંચે મેડિકલ એક્સપર્ટ સાથે વાત કરીને કાઉન્ટિંગનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો.