સુધર્યા નહીં તો મહારાષ્ટ્રમાં લોકલ ટ્રેન અને બસ ફરી બંધ થશે…

(જી.એન.એસ)મુંબઇ,મુંબઈ સહિત રાજ્યમાં કોરોના નિયંત્રણની બહાર જઈ રહ્યો છે. વારંવારની ચેતવણી અને મિની લોકડાઉન લાદ્યા બાદ પણ લોકો સુધરી રહ્યા નથી ત્યારે નાગરિકોએ જો નિયમોનું સખતાઈપૂર્વક પાલન નહીં કર્યું તો અનેક દેશોએ જે રીતે ફરી લોકડાઉન લાદી દીધું છે, તે પર્યાય અહીં પણ નાછૂટકેે લાદવો પડશે અને એવું જો કરવું પડે તો ફરી એક વખત સામાન્ય નાગરિકો માટે લોકલ ટ્રેનથી લઈને બેસ્ટની બસમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ આવી જશે, એવી ચેતવણી મુંબઈના પાલકપ્રધાન અસલમ શેખે આપી હતી. લોકોનો જીવ બચાવવો સરકારની પ્રાથમિકતા છે. હજી સુધી આપણે રાજ્યમાં સંપૂર્ણપણે લોકડાઉન લાગુ કર્યો નથી, પણ લોકો જો કોરોનાને લગતા નિયમોનું સખ્તાઈપૂર્વક પાલન નહીં કરે તો આપણી પાસે કોઈ પર્યાય જ નથી. લોકડાઉનનો બધી તરફથી વિરોધ થઈ રહ્યો છે. વિશ્ર્‌વમાં જે સ્થળે લોકડાઉન લાગુ કરવામાં આવ્યો છે તે-તે સ્થળે લોકોએ લોકડાઉનનો વિરોધ કર્યો છે પણ લોકોના જીવ બચાવવો સૌથી મહત્ત્વનું છે અને એ સરકારની પ્રાથમિકતા છે. મુંબઈમાં હાલ લોકલ ટ્રેન, બસ ચાલુ છે પણ લોકો સાંભળશે નહીં તો સંપૂર્ણપણે લોકડાઉન લાદવાની ફરજ પડશે એવી ચેતવણી અસ્લમ શેખે આપી હતી.
કોરોનાને રોકવા માટે નિયમાવલી તૈયાર કરવામાં આવી છે. જે નવી છે, તેથી લોકોને કદાચિત સમજાતી નહી હોય, તે જ કારણથી લોકો હજી પણ સાર્વજનિક સ્થળે ભીડ કરી રહ્યા હોવાની નારાજગી અસ્લમ શેખે વ્યક્ત કરતા કહ્યું હતું કે નવા નિયમો લાગુ કરીને બે દિવસ જ થયા છે. પ્રશાસન અને પોલીસ લોકોને નવા નિયમ સમજાવી રહી છે, ત્યારે લોક્‌ોએ સમજદાર નાગરિક બનીને તેનું પાલન કરવાનું છે. હાલ અમલમાં મૂકેલા નિયમ એ અંતિમ પ્રયોગ છે, છતાં પણ જો પરિસ્થિતિ સુધરી નહીં તો પૂર્ણપણે લોકડાઉન લાદવો પડશે એવું પણ અસ્લમ શેખે કહ્યું હતું. રાજ્યની આરોગ્ય સેવામાં સુધારો કઇ રીતે કરી શકાય તેના પર અમે ખાસ ધ્યાન આપી રહ્યા છે, તેથી લોકોએ પણ સહકાર આપવો જોઈએ.