સુથરીમાં ર૭ લાખના ચરસ સાથે ૩ શખ્સોની ધરપકડ

પિંગ્લેશ્વર – સુથર વચ્ચે એસઓજીએ મકાનમાં દરોડો પાડીને ઝડપ્યો જથ્થો

ભુજ : સરહદી કચ્છની દરિયાઈ સીમમાંથી ઘણા લાંબા સમય બાદ ચરસના પેકેટો મળવાની ઘટના સામે આવી છે. પશ્ચિમ કચ્છ એસઓજીએ અબડાસાના સુથરી ગામે એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને ર૭ લાખના ચરસના ૧૭ પેકેટ સાથે ૩ શખ્સોને ઝડપી પાડ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમે બાતમીને આધારે સુથરી ગામે એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને ઈબ્રાહીમ બાવલા કોલી, પચાણ નાથા કોલી અને થારૂ ખમુ કોલી નામના ત્રણ શખ્સોને ચરસના ૧૭ પેકેટ સાથે ઝડપી પાડ્યા હતા. અબડાસા વિસ્તારમાંથી લાંબા સમય બાદ ફરી લાખોનું ચરસ રહેણાંક મકાનમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.બનાવને પગલે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે આરોપીઓ વિરૂધ્ધ કોઠારા પોલીસ મથકે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો અને આ ચરસના પેકેટ આરોપીઓ પાસે કયાંથી આવ્યા અને કયાં કઈ રીતે વેંચાણ કરાતું હતું તે સહિતની તપાસ હાથ ધરાઈ છે. પ્રાથમિક તપાસમાં આ માલ થારૂ ખમુ કોલીના મકાનમાંથી મળી આવ્યો હતો. તેણે જ બાકીના બે શખ્સોને માલ વેંચવા આપ્યો હતો. આ ઓપરેશનમાં એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ એ.આર. ઝાલા, એએસઆઈ વાછીયાભાઈ ગઢવી, મદનસિંહ જાડેજા, રજાક સોતા સહિતનો સ્ટાફ જોડાયો હતો.