સુથરીના આધેડની હત્યા નિપજાવનાર આરોપીને પોલીસે કર્યો રાઉન્ડઅપ

પૈસાની લેતી-દેતી બાબતનું મનદુઃખ રાખી લોખંડના પાઈપ વડે માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી ઢાડાયું ઢીમ

નલિયા : અબડાસાના સુથરીમાં રહેતા પર વર્ષિય આધેડની કોઠારામાં હત્યા નિપજાવાઈ હતી. પૈસાની લેતી-દેતી બાબતે કોઠારાના શખ્સે આધેડને માથાના ભાગે લોખંડના પાઈપ વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડીને ઢીમ ઢાડ્યું હતું. બનાવને પગલે કોઠારા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને રાઉન્ડઅપ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ અબડાસાના સુથરી ગામે રહેતા પર વર્ષિય જયેશભાઈ શિવજીભાઈ રાજગોરની કોઠારામાં શિતલાના નાકાથી આગળ સ્મશાન નજીક હત્યા નિપજાવવામાં આવી હતી. બનાવ અંગે પોપટમાં શિવજીભાઈ રાજગોરે આરોપી ઈસ્માઈલ ઉમરભાઈ સુમરા (રહે. કોઠારા, તા. અબડાસા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં અપાયેલી ફરિયાદ મુજબ હતભાગી સાથે પૈસાની લેતી-દેતી બાબતનું મનદુઃખ રાખીને આરોપીએ લોખંડના પાઈપ વડે મૃતકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ લાશને સ્થાનિક જગ્યાએથી  અન્ય જગ્યાએ ઢસડીને લઈ જઈ પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો. સુથરીના આધેડની કરાયેલી કરપીણ હત્યાના પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. નખત્રાણા વિભાગના ડીવાયએસપી વી.એન. યાદવ, નલિયાના સર્કલ પીઆઈ લેઉવા, કોઠારા પીએસઆઈ જી.પી. જાડેજા સહિતના અધિકારીઓને પોલીસ કાફલો બનાવ સ્થળે ધસી ગયો હતો. પોલીસે હતભાગીના મૃતદેહને પીએમ માટે ખસેડવા સહિત પંચનામુ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. હતભાગીના ભાઈએ કોઠારા પોલીસ મથકે ૩૦ર સહિતની કલમો તળે ગુનો નોંધાવતા પોલીસ દ્વારા સર્વાંગી તપાસ હાથ ધરાઈ હતી. આ અંગે કોઠારા પીએસઆઈ જી.પી. જાડેજા સાથે વાતચીત કરતા તેમણે  કહ્યું હતું કે, પૈસાની લેતી-દેતી બાબતે હત્યાના બનાવ બન્યો હતો. જેમાં આરોપીને રાઉન્ડઅપ કરી આગળની તજવીજ હાથ ધરાઈ છે.