સુજલામ – સુફલામની આડમાં ખનિજ ચોરીને મોકળું મેદાન : લ્યો બોલો ! નારાણપરના શ્રી હરિ સરોવરમાં ખાણેત્રાના નામે ધૂમ ખનિજ ચોરી

નારાણપર (રાવરી) ગામના સરપંચના લેટરપેડ પર ખાણેત્રુ કરવાની અપાઈ મંજુરી : રાજ્ય સરકાર દ્વારા આવી કોઈ યોજના ન હોવાથી ગ્રામ પંચાયતના સરપંચે નવી પોતાની યોજના જાહેર કરી : ખાણ ખનીજે પંચનામું તો કર્યુ પણ આગળની કાર્યવાહી ક્યારે…?  : નારાણપર તળાવમાંથી કરાતા ખાણેત્રાની માટી ભુજ શહેરના રમેશ ભાનુભાઈ ઠક્કરની જમીન સર્વે નં. ૭૭૯, ૭૮૧/ર અને ૭૮૧/૩ ના પ્રિન્સ હોમના નામે ડેવલપમેન્ટ થતા જમીન ઉપર નાખવામાં આવતા તર્ક – વિતર્કાે વહેતા થયા

ભુજ : તાલુકાના નારાણપર (રાવરી) ગામની હદમાં આવતા સર્વે નં. રર૧ વાળી જગ્યા પર આવેલા શ્રીહરિ સરોવરમાં ખાણેત્રાના નામે ખનીજ ચોરી કરાતી હોવાના ઘટના સામે આવતા ખાણ ખનીજ વિભાગ તેમજ સિંચાઈ ખાતું દોડતું થયું હતું. નારાણપર (રાવરી) ગામના સરપંચના લેટરપેડ પર ખાણેત્રું કરવાની મંજુરી અપાઈ પરંતુ તેના બદલે ખનીજ ચોરી થતી હોવાના અહેવાલોે સામે આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આવી કોઈ યોજના ન હોવાથી ગ્રામ પંચાયતના સરપંચે નવી પોતાની યોજના જાહેર કરી કાયદેસરનું ખાણેત્રુ કર્યું હોવાનું જણાવ્યું હતું. તો ખાણ ખનીજ વિભાગે પંચનામું તો કર્યું, પણ આગળની કાર્યવાહી ક્યારે થશે તે તો શ્રી હરિ જાણે !

ત્રણ વર્ષ અગાઉ સરકાર દ્વારા પાણી સંગ્રહના સારા ઉદેશ્યો સાથે સુજલામ-સુફલામ યોજના અમલમાં મુકવામાં આવી છે જેમાં ચાલુ સાલે એપ્રીલ -મેમાં ઘણા બધા અનેક કામો કરવામાં આવ્યા છે. આ યોજના દ્વારા જે તળાવમાં માટી ઉપાડવામાં આવે તે સરકારી કે ખેડુતોને આપવામાં આવે તેવો પરિપત્ર સરકારે જાહેર કર્યુ છે. પરંતુ કચ્છમાં અમુક જગ્યાએ આ યોજના સુજલામ સુફલામની બદલે ધન સંચય યોજના બની છે તે કહેવું અતિશ્યોક્તિ ભર્યું નહીં કહેવાય. આ યોજના દ્વારા તળાવ તો ઉંડુ કરવાનું સરકારનો હેતુ છે, પરંતુ આ યોજનાની નામે ડુંગરો સહિતના ખનન કરી કરોડો રૂપિયાની ખનીજ ચોરી કરવામાં આવી હોવાના કિસ્સા બહાર આવી રહ્યા છે.  જે સુજલામ સુફલામ યોજનાની આડમાં ખનીજ ચોરી કહી શકાય.

નારાણપર ગામમાં સર્વે નં.રર૧ જગ્યા પર આવેલા શ્રી હરિ સરોવરમાં ખાણેત્રાના નામે કેટલાક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવી રહ્યું છે. આ બાબતની જાણ ભુજ નગરપાલીકાના સદસ્ય મહેબુબ પંખેરીયાને થતાં સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું કે ચોરી કરાયેલી તમામ માટી પ્રિન્સ હોમના માલિક રમેશ ભાનુભાઈ ઠક્કરની ભુજ- માંડવી રોડ પર આવેલ  એનએ થયેલી ખાનગી જમીન પર ઠલવાઈ રહી છે. આ બાબતે ભુજ સુધરાઈના સદસ્ય મહેબુબભાઈએ સિંચાઈ ખાતાના જવાબદાર અધિકારી મહેશભાઈનો સંપર્ક કરતાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે, આ તળાવના ખાણેત્રા માટે સરકારની કોઈ યોજનામાંથી મંજુરી આપવામાં આવી નથી. ત્યારબાદ જિલ્લા પંચાયત શાખાના એક્ઝિક્યુટીવ એન્જીનીયર શ્રી ગઢવીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે જિલ્લા પંચાયતની કચેરીઓ દ્વારા કોઈપણ પ્રકારની પરવાનગી આપવામાં આવી નથી. ત્યારબાદ વધુ તપાસ કરતા જણાવાયું કે, ભુજ તાલુકાના નારાણપર (રાવરી) ગામના સરપંચ દ્વારા લેટરપેડ પર શ્રી હરિ સરોવરમાં ખાણેત્રું કરવા માટે પરવાનગી આપવામાં આવેલી છે. ખનીજ ચોરી દરમ્યાન અન્ય કેટલાક નંબર વગરની ટ્રકોનું અને માટી ખોદવા માટે નંબર વગરના હિટાચી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોઈપણ જાતની પરવાનગી ન હોવા છતાં લાખો કરોડો રૂપિયાની ચોરી કરી સરકારી સાથે આર્થિક કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે તેવું અરજદારે જણાવ્યું હતું. તાત્કાલીક અસરથી જે જમીનમાં રેતી  ઠાલવવામાં આવી છે તે જમીનના માલીક, નારાણપર (રાવરી) ગામના સરપંચ તથા હિટાચી અને ટ્રક માલીકો સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.

પંચાયતમાં ઠરાવ પસાર કરી મંજૂરી અપાઈ : સરપંચ

ભુજ : આક્ષેપો બાબતે ગામના સરપંચ હંસાબેન ભુડિયા વતી તેમના સસરા મેઘજીભાઈએ કહ્યું કે, તળાવ ઉંડુ કરવા માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પસાર કરાયો હતો, જે બાદ જ મંજૂરી અપાઈ છે. આ બાબતે ખાણ-ખનિજ વિભાગને આધાર-પુરાવા પણ આપી દેવાયા છે. સરકાર પક્ષે નુકસાન થયું હોય તો ગ્રામ પંચાયત ભરપાઈ કરવા તૈયાર છે. ગ્રામ પંચાયતના સરપંચના હોદ્દાને બદનામ કરવા ખોટી રીતે આક્ષેપો કરાતા હોવાની વાત પણ કરી હતી.

સુજલામ-સુફલામ યોજનાના નામે શિવપારસ નજીક ડુંગરો ખોદાયા

ભુજ : રાજ્ય સરકારે સુજલામ – સુફલામ યોજના દ્વારા તળાવો ઉડા કરવાની યોજના જાહેર કરી હતી. આ યોજના દ્વારા લાંબા સમયથી તળાવો ઉડા ન થયા હોય તે ઉડા કરી શકાય અને પાણીનો સંગ્રહનો વધારો કરી શકાય તે હેતુ હતું પરંતુ આ યોજનાનો હેતુ માર્યાે જતો હોય તેવું હાલ દેખાઈ રહ્યો છે. આ યોજનાના નામે તળાવો તો સાઈડમાં રહી જાય છે પરંતુ ડુંગરો સહિતને ખોદી ખનીજ ચોરી કરવાના કિસ્સા ઉજાગર થઈ રહ્યા છે. આવો જ કિસ્સો ભુજ શહેર નજીક  સુખપર સીમમાં આવેલા શિવપારસ પાસેના તળાવને ઉંડા કરવાને બદલે બાજુમાં આવેલા ડુંગરો ખોદીવામાં આવી રહ્યા છે. આ બાબતની રજુઆત કરતા ભુજ નગરસેવક મહેબુબ પખેરીયાએ જણાવ્યું હતું.

અમે કાયદેસર નિયમથી કામ કર્યાે છે : રમેશ ઠક્કર

ભુજ : નારાણપર તળાવમાંથી કરાતા ખાણેત્રાની માટી ભુજ શહેરના રમેશ ભાનુભાઈ ઠક્કરની જમીન સર્વે નં. ૭૭૯, ૭૮૧/ર અને ૭૮૧/૩ ના પ્રિન્સ હોમના નામે ડેવલપમેન્ટ થતા જમીન ઉપર નાખવામાં આવી છે તેવી ફરિયાદ સંદર્ભે સંચાલક રમેશભાઈ ઠક્કરે જણાવ્યું કે, અમે કાયદેસર નિયમથી કામ કર્યાે છે કંઈ પણ ખોટું કર્યાે નથી. તંત્ર પાસેથી નિયમથી મંજુરી માગીને કામ કરવામાં આવ્યો છે.

સુજલામ – સુફલામ યોજનામાં ગેરરીતિ અટકાવવા ભુજના સિનિયર સિટીઝને સરકારને સૂચનો કર્યા

ભુજ : હાલ સરકાર દ્વારા સુજલામ – સુફલામ અભિયાન રાજ્યમાં રાલી રહ્યું છે, જેમાં અનેક જગ્યાએ ગેરરીતિ અને ભ્રષ્ટાચારના સમાચારો બહાર આવી રહ્યા છે ત્યારે આ કામમાં ગેરરીતિ અટને ભ્રષ્ટાચાર અટકાવવા ભુજના સિનિયર સિટીઝને મુખ્યમંત્રીને પત્ર પાઠવી વિવિધ સૂચનો કર્યા છે.

ભુજના સિનિયર સિટીઝન કાંતિલાલ આર્યએ સૂચનો કરતા જણાવ્યું હતું કે, સરકારે સુજલામ – સુફલામ જળ અભિયાન ર૦ર૧ અંતર્ગત દર સાલ જળ સંચયના કામો માટે ઠરાવ બહાર પાડેલા છે, જેમાં સરકાર મુખ્યત્વે જળ સંગ્રહના કામો, તળાવ ઉંડા કરવા, હયાત ડેમો – ચેકડેમોનું ડીસ્લીટીંગ, તળાવ-ડેમોના પાળાનું મજબૂતીકરણ, સાફ-સફાઈ વગેરે માટે ઠરાવ પસાર કરાયો છે, જેમાં ગુજરાતના ૩૩ જિલ્લાના ૧૮૬પ૬ કામો અંદાજીત કુલ રૂા.૪૮૦૧૩.૧૦ લાખની વહિવટી મંજૂરી અપાઈ છે. આ કામોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ અટકે તે માટે વિપક્ષ – વિરોધ પાર્ટીને જળ સંચયના કામો હુકમ મુજબ કરાવવા લેખિતમાં જવાબદારી સોંપવામાં આવે તેમજ કામોની માહિતી અને યાદી આપવી જાેઈએ. ગામ, તાલુકા, જિલ્લા જળસ્ત્રોત સમિતિ બનાવી અને તેને દેખરેખની કામગીરી સોંપવામાં આવે, જળસંચયના કામોની વીડિયોગ્રાફી તેઓની રૂબરૂમાં કરવામાં આવે. પંચોમાં તલાટી, શિક્ષક, સરપંચ, બે સેવાભાવી વ્યક્તિ રાખવામાં આવે. વરસાદ પહેલા સાચા માપ લેવામાં આવે અને માપ લેનાર અધિકારી કામો હુકમ મુજબ થવાનું સોગંદનામું રજૂ કરે. સરકાર લાખ ઉપાય – પ્રયત્ન કરે ૧૦૦ ટકા કામ થવાનું નથી, પરંતુ જાગૃતિ દાખવવાથી ફાયદો થાય તેમ છે. આ સૂચનો બાબતે ઘટતી કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.