સુખપર નજીક રિસોર્ટમાં યોજાયેલા લગ્નમાં જાહેરનામાનો ભંગ થતા ફરિયાદ

ભુજ : તાલુકાના સુખપર માનકુવા વચ્ચે હાઈવે પર આવેલ રિસોર્ટમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રવર્તમાન કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા જારી કરાયેલ ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવતા માનકુવા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સુખપર-માનકુવા વચ્ચે આવેલ વૃંદાવન રિસોર્ટ ખાતે લાલજીભાઈ વિશ્રામભાઈ કેરાઈ દ્વારા લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કોવિડ ગાઈડલાઈનનો ભંગ થતો હોવાની હકીકત મળતા માનકુવા પીઆઈ એમ.આર. બારોટની સુચનાને પગલે પોલીસની ટીમ રિસોર્ટ ખાતે ધસી ગઈ હતી. જ્યાં 100થી વધારે લોકો એકત્ર થયા હતા. અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા સહિત અનેક લોકોએ માસ્ક પણ પહેર્યું ન હતું. જેથી લગ્ન પ્રસંગનું આયોજન કરનાર લાલજીભાઈ કેરાઈ અને રિસોર્ટના મેનેજર કિશોરભાઈ વેલજીભાઈ હિરાણી વિરૂદ્ધ માનકુવા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.