સીએસઆર અંતર્ગત કચ્છના ઉદ્યોગો ઓક્સિજન અને વેન્ટીલેટર માટે આવે આગળ

મોટી કંપનીઓ ઓક્સિજનના પ્લાન્ટ સ્થાપી મેડિકલ પ્રાણવાયુની અછત નિવારવા બને સહયોગી : હજારો ઉદ્યોગગૃહો કચ્છમાંથી અબજોની કમાણી કરે છે ત્યારે પોતાની આવકનો અમુક હિસ્સો કર્મભૂમિનું ઋણ ચુકવવામાં ફાળવે : હોસ્પિટલોમાં વેન્ટીલેટરની ઘટ છે ત્યારે ઉદ્યોગગૃહો વેન્ટીલેટર અને આરોગ્યના સાધનોના બને દાતા

(બ્યુરો દ્વારા)ભુજ : કચ્છ જિલ્લો ન માત્ર સરહદી પણ ઔદ્યોગીક જિલ્લો પણ છે. વાગડથી લઈ લખપત સુધી કચ્છમાં ઉદ્યોગોની ભરમાર છે. કંપનીઓ, ફેકટરીઓ, ખાણ સહિતના ઉદ્યોગો થકી ઉદ્યોગપતિઓ અબજો રૂપિયાની કમાણી કચ્છની આ ભૂમિ પરથી કરે છે. હાલમાં કચ્છ મેડિકલ ઈમરજન્સી તરફ આવી ગયું છે. કારણ કે, હાલમાં કોરોનાના કહેરથી લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. આવા સમયે આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવો અત્યંત જરૂરી છે. જેથી કચ્છના ઉદ્યોગગૃહો સીએસઆર અંતર્ગત આગળ આવી ઓક્સિજન, વેન્ટીલેટર સહિતની સાધન સામગ્રી પુરી પાડવામાં સહયોગી બની કર્મભૂમિનું ઋણ અદા કરે તે જરૂરી છે.આ અંગેની વિગતો મુજબ કચ્છમાં બે મહાબંદરો કંડલા અને મુંદરા આવેલા છે. જેમાં કંડલા પોર્ટે પાસેરામાં પુણી સમાન નામ માત્રની નાનકડી કોવિડ હોસ્પિટલ શરૂ કરી છે. મુંદરામાં વિરોધ બાદ અદાણીએ ૧૧૦ બેડની હોસ્પિટલ શરૂ કરવાનું વચન આપ્યું છે. રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ, ભુજ, અબડાસા, લખપત અને મુંદરા ઉપરાંત ખાવડા સહિતના વિસ્તારોમાં મહાકાય કંપનીઓ આવેલી છે.કચ્છમાંથી નાણા ઉસેડી ધનિક બનતા કંપનીના સંચાલકોએ આવી મહામારીની સ્થિતિમાં કચ્છની મદદ કરવી અત્યંત જરૂરી છે. જે તાલુકામાં કંપનીઓ, ખાણ, પવનચક્કીઓ આવેલી તેઓ પોતાનું સામાજીક ઉત્તરાદાયિત્વ નિભાવી પોતે જે તાલુકામાંથી કરોડો રૂપિયાની કમાણી કરે છે, તે તાલુકામાં પોતાની આવકનો અમુક હિસ્સો વાપરે તો મહંદશે આરોગ્ય સેવામાં સાધનોની કમીની સમસ્યા નિવારી શકાય તેમ છે. પહેલા લોકોને બેડ નહોતા મળતા, પછી ઈન્જેક્શન અને હવે ઓક્સિજન. જો હજુ પણ વ્યવસ્થા નહીં થાય તો આવનારો સમય એવો આવશે કે લોકો વેન્ટીલેટર પર જીવન મરણ વચ્ચે જોલા ખાતા હશે ત્યારે કંપનીઓએ સામે ચાલીને આગળ આવવું પડશે અન્યથા જે તે ગામના લોકો અને સ્થાનિકો આ અંગે અવાજ ઉપાડી પોતાના ગામમાંથી કરોડો રૂપિયા કમાવતી કંપનીઓને તગેડી મુકવા ચક્કાજામ સહિતના કાર્યક્રમો આપે તે પહેલા સ્વયંભુ આવી કંપનીઓ મદદરૂપ બનવા આગળ આવે તે સૌના હિતમાં છે. મોટી મોટી કંપનીઓ પાસે મશીનરી પણ છે ત્યારે તેઓ પોતાના પ્લાન્ટમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપી કચ્છની મેડિકલ જરૂરીયાત નિવારવા સહભાગી બને. સાથોસાથ અન્ય જિલ્લાઓને પણ મદદરૂપ બને. ઓક્સિજનનો પ્લાન્ટ સાતથી આઠ દિવસમાં તૈયાર પણ થઈ જાય છે. જિલ્લામાં જેટલા પણ ઉદ્યોગગૃહો છે તે પોતાના તાલુકામાં આવેલી સરકારી હોસ્પિટલોમાં એક એક વેન્ટીલેટર દાન કરે તો પણ કચ્છમાં એક હજાર જેટલા વેન્ટીલેટર ઉપલબ્ધ થાય તેમ છે.