સાયક્લોનની અસરને પગલે કચ્છમાં આજે એસટીના તમામ ૧પ૦ રૂટ સ્થગીત

તમામ બસો ડેપો અને કન્ટ્રોલ પોઈન્ટ પર પહોંચી : ડેપો મેનેજરો સહિત તમામ અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા સ્પષ્ટ સૂચના

ભુજ : તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં તબાહી મચાવી છે ત્યારે તકેદારીના ભાગરૂપે કચ્છમાં આજે એસટીના તમામ રૂટો સ્થગીત રાખવામાં આવ્યા છે. આજે જિલ્લામાં તમામ લોકલ, એક્સપ્રેસ સહિતની બસો બંધ રહી છે. તકેદારીના ભાગરૂપે એસટીના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા સ્પષ્ટ સૂચના અપાઈ છે. આ અંગેની વિગતો મુજબ સાયક્લોનની અસર તળે ગઈકાલે રાતથી જિલ્લામાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. તેમજ ઠેર-ઠેર વેગીલો વાયરો ફુંકાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના દીવ, કોડિનાર, ઉના, ગીર-સોમનાથ, જુનાગઢ, જામનગર, રાજકોટ, રાજુલ, ભાવનગર સહિતના વિસ્તારમાં તો નુકશાની સર્જાઈ છે ત્યારે સમગ્ર રાજ્યમાં એસટી નિગમ દ્વારા પરિવહન સ્થગીત કરી દેવાયું છે. કચ્છમાં એસટી વિભાગ દ્વારા તમામ બસોનું સંચાલન સ્થગીત કરાયું છે. જિલ્લામાં એસટીની કુલ ૩પ૬ બસોનું સંચાલન થાય છે. હાલમાં લોકડાઉન અને કર્ફ્યુના કારણે ૧પ૦ બસો ઓપરેટ કરાતી હતી. જે પણ આજના દિવસે રદ્‌ કરી દેવાઈ છે. વિભાગીય નિયામક ચંદ્રકાંત મહાજને વિગતો આપતા કહ્યું કે, સાયક્લોનની અસરને પગલે આજે કચ્છ ડિવિઝનની તમામ બસોનું સંચાલન રદ્‌ કરવામાં આવ્યું છે. તમામ લોકલ-એક્સપ્રેસ-વોલ્વો સહિતની બસો બંધ રાખવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે તમામ પરિસ્થિતિ પર મોનિટરીંગ રાખવામાં આવી રહ્યું છે. સ્થળાંતરીત માટે ૯પ બસો ફાળવાઈ હતી જેનું પણ જીપીએસસી મોનિટરીંગ કરાય છે. તમામ ડેપો અને કન્ટ્રોલ પોઈન્ટમાં બસો પહોંચી ગઈ છે. હાલ તમામ અધિકારી કર્મચારીઓને હેડક્વાર્ટ ન છોડવા જણાવાયું છે. ઉપરી સૂચના મળ્યા બાદ એસટી પરિવહન શરૂ થશે તેવું જણાવ્યું હતું.