સાયક્લોનના પગલે કચ્છમાં જ્યોતિગ્રામના ૧૬ ફીડરો બંધ થતા યુદ્ધના ધોરણે શરૂ કરાયા

ર૩ થાંભલાઓ ધરાશાયી થયા : ખેતીવાડીના ૧૪૮ ફીડરો બંધ

ભુજ : તાઉતે વાવાઝોડાની કચ્છમાં આંશીક અસર જાેવા મળી છે. વાવાઝોડું કચ્છના સમુદ્રી કાંઠે ટકરાયું નથી, પણ સૌરાષ્ટ્રમાં ટકરાતા અસરના ભાગરૂપે જિલ્લામાં સોમવારની રાતથી ભારે પવન સાથે ઝરમરિયા રૂપે વરસાદ પડ્યો હતો, જેના કારણે લાઈટો ગૂલ થવાના બનાવો વધ્યા હતા. પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો પૂર્વવત કરવા ટીમો કામે લગાવાઈ હતી, જેમાં યુદ્ધના ધોરણે જ્યોતિગ્રામના ૧૬ ફીડરો ચાલુ કરાયા છે.

આ અંગેની વિગતો મુજબ તાઉતે વાવાઝોડું કચ્છમાં ત્રાટકવાની દહેશતને આધારે પીજીવીસીએલ દ્વારા તકેદારના ભાગરૂપે કુલ ૧૩૭ ટીમો તૈનાત કરાઈ હતી. ઉપરાંત વાહનોમાં જરૂરી સાધન સામગ્રી પણ લોડીંગ કરી દેવાઈ હતી. જિલ્લામાં આંશીક અસરના કારણે ફીડરો બંધ થવા સાથે થાંભલાઓ ધરાશાયી થયા હતા, જેઓનું મેઈન્ટેનન્સ કામ શરૂ કરી દેવાયું છે. પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર એ.એસ. ગરવાના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાના કારણે જિલ્લામાં એચટી લાઈનના ૧૭ અને એલટી લાઈનના ૬ મળી કુલ ર૩ થાંભલાઓ ધરાશાયી થયા હતા. ઉપરાંત જ્યોતિગ્રામના ૧૬ ફીડરોમાં ક્ષતિ પહોંચી હતી, જેમાં મંગળવારે સાંજ સુધી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો હતો. ખેતીવાડીના ૧૪૮ ફીડરો બંધ થયા છે, જેઓનું બુધવારથી સમારકામ શરૂ થશે. ખેતીવાડી ફીડરોની લાઈનનું ચેકીંગ કરી જ્યાં વાયર અને થાંભલા તૂટેલા જણાશે ત્યાં સમારકામ કરી વીજ વાયરમાં વીજળી ફરીથી ચાર્જ કરવામાં આવશે તેવું ઉમેર્યું હતું.