સામખિયાળી GSTને મહિને ૫૦ લાખની વસુલાતનો ટાર્ગેટ

  • કોરોના કાળમાં ઉઘરાણાનો છુટો દોર

નાયબ કમિશ્નર વિભાગ – ૧૧ રાજકોટ – સામખિયાળીને માસિક ૧.પ૦ કરોડની વસુલાતનો લક્ષ્યાંક અપાયો : લોકડાઉન, મંદી, બેકારી અને મોંઘવારીની માયાજાળ વચ્ચે સરકારે વેપારીઓને દીધા ડામ : જીએસટીની આવક વધારવા મોબાઈલ સ્કવોડને અલગ અલગ લક્ષ્યાંક અપાયા : લોકો આર્થિક ભીંસમાં પીસાઈ રહ્યા છે ત્યારે સરકારને આવક ઉભી કરવામાં જ રસ

(પ્રતિનિધિ દ્વારા)ગાંધીધામ : રાજયમાં કોરોના મહામારી કાળો કેર વર્તાવી રહી છે. ૩૬ શહેરોમાં રાત્રી કર્ફયુ અને દિવસે નિયંત્રણોના નામે મીની લોકડાઉન થોપી દેવાયું છે. એકતરફ ધંધા નથી, માણસો પાસે રૂપિયા નથી, તેવામાં આર્થિક કટોકટી વચ્ચે સરકારને તિજોરી ભરવામાં જ રસ હોય તેવો તાલ સર્જાયો છે. રાજયમાં જીએસટી વિભાગને રપ થી ૯૦ ટકા આવક વધારવા માટે લક્ષ્યાંક આપી દેવાયો છે, જેમાં સામખિયાળી જીએસટીની મોબાઈલ સ્કવોડને માસિક પ૦ અને વાર્ષિક ૬૦૦ લાખની માતબર વસુલાત માટે ટાર્ગેટ અપાયો હોવાનું ગાંધીનગરના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
આ અંગેની વિગતો મુજબ કોરોના કાળમાં ધંધા – રોજગાર ઠપ્પ થઈ જતા વેપારીઓની હાલત કફોડી બની છે. આવા સમયે મદદ તો ઠીક પણ દાઝયા પર ડામ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. રાજયના મુખ્ય રાજય વેરા કમિશ્નર દ્વારા રાજયના જુદા જુદા વિસ્તારમાં આવેલા વેરા અધિકારીઓને વર્ષ ર૦ર૧ – રર માટે જીએસટીની આવક રપ થી ૯૦ ટકા વધારવા માટે લક્ષ્યાંક થોપી દેવાયો છે. મોબાઈલ સ્કવોડના રાજય વેરા કમિશ્નર દ્વારા તમામ વેરા કમિશ્નરને પત્ર લખી મોબાઈલ સ્કવોડને વાર્ષિક લક્ષ્યાંકની ફાળવણી કરાઈ છે. એકતરફ મંદીના માર વચ્ચે લક્ષ્યાંક સિધ્ધ કરવા વધુને વધુ આવક મેળવવા ટાર્ગેટ અપાતા વેપારીઓમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. મોબાઈલ સ્કવોડને અલગ અલગ ટાર્ગેટ અપાય છે, જેમાં કચ્છમાં આવેલી સામખિયાળી – ર મોબાઈલ સ્કવોડને માસિક પ૦ લાખની વસુલાત કરવા સુચના અપાઈ છે. જ્યારે વાર્ષિક ૬૦૦ લાખની વસુલાત માટે ટાર્ગેટ અપાયો છે. આ ઉપરાંત નાયબ કમિશ્નર વિભાગ – ૧૧ રાજકોટ – સામખિયાળીને મહિને ૧.પ૦ કરોડ જ્યારે વાર્ષિક છ કરોડની વસુલાતનો લક્ષ્યાંક અપાયો હોવાનું જાણવા મળ્યું છે. સામખિયાળી ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, થરાદ, થાવર, ગુંદરી, સુરત, વડોદરા, સોનગઢ, ભાવનગર, મોરબી, રાજકોટ, સામળાજી, અમીરગઢ, ભીલાડ સહિતની સ્કવોડને કુલ્લ માસિક ર૦૭૦ લાખ અને વાર્ષિક ર૪,૮૪૦ લાખનો લક્ષ્યાંક અપાયો છે.