સામખિયાળી-માળિયા હાઈવે પર કપાસ ભરેલી ટ્રક આગળ જતા વાહનમાં ભટકાતા બે સહોદરોનું મોત

રતનાલની ટ્રકમાં ડ્રાઈવીંગ-ક્લીનીંગ કરતા સુરેન્દ્રનગરના બે સગા ભાઈઓના મૃત્યુથી અરેરાટી

ભચાઉ : તાલુકાના સામખિયાળી – માળિયા હાઈવે પર કપાસ ભરીને જતી ટ્રક આગળ જતા અન્ય વાહન સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બનાવમાં ટ્રકમાં સવાર સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના પીપળી ગામના બે સગા ભાઈઓનું મોત નીપજ્યુ હતુ. બનાવને પગલે હતભાગીઓના પરિવારજનોમાં શોક સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સામખિયાળી – માળિયા હાઈવે પર કપાસની ઘાંસડી ભરેલી ટ્રક આગળ જતા અન્ય વાહનમાં અથડાઈ હતી. રતનાલમાં રહેતા માદેવા જશાભાઈ છાંગાની GJ-12 BX-9638 નંબરની ટ્રકમાં ડ્રાઈવરક્લિનર તરીકે કામ કરતા બે સગા ભાઈઓ મોતને ભેટ્યા હતા. હતભાગીઓના નામ બહાદુર ઊર્ફે બાબુભાઈ મગનભાઈ વાણિયા અને પ્રવિણ મગનભાઈ વાણિયા હોવાનું જાણવા મળ્યુ હતુ. બન્ને ભાઈઓ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના પીપળી ગામના વતની હતા. ગત સાંજે કડીની કોટન મિલથી કપાસની ગાંસડીઓ ભરીને મુંદરા પોર્ટ પર ખાલી કરવા માટે આવતા હતા. ત્યારે આગળ જતાં અજાણ્યા વાહનમાં ચાલક બહાદુરે તેની ટ્રક ઘૂસાડી દીધી હતી. જેમાં બન્ને બાઈઓને કાળ આંબી ગયો હતો. બનાવને પગલે હતભાગીઓના નાના ભાઈ દિપક વાણિયાએ સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે તપાસ આદરી છે.