સામખિયાળી ગ્રામ પંચાયત પાણી વિતરણમાં નિષ્ફળ નિવડી

ઉનાળામાં અપુરતા પાણીથી ગ્રામજનો પરેશાન બન્યા

ભચાઉ : તાલુકાના સામખિયાળી ગામમાં ઉનાળાના પ્રારંભે પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જતાં ગ્રામજનો પરેશાન બન્યા છે. સામખિયાળીમાં શાંતિનગર, ગોકુલનગર હાઈસ્કૂલ બાજુનો નવા બસ સ્ટેશન પાછળનો વિસ્તાર, પ્રજાપતિ સમાજવાડી વિસ્તાર, દશામા મંદિરની બાજુનો વિસ્તાર સહિતના એરિયામાં રહેતા ગ્રામજનો દ્વારા સરપંચ અને તલાટીને રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત દ્વારા દર ત્રણ દિવસે માંડ બે કલાક પાણી અપાય છે. લોકો પાસે પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા ન હોવાથી હેરાન ગતિ પડે છે. અમુક વિસ્તારોમાં એકાંતરે પાણી આપી ભેદભાવ પણ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે. ગ્રામ પંચાયત દ્વારા એકાંતરે અને સવારે ૭થી ૧ર સુધી પાણી આપવામાં આવે તેવી માંગણી કરાઈ છે.