સામખિયાળીમાં ડૂબી જવાથી અને દાઝી જવાથી બે યુવાનોના મોત

ભચાઉ : તાલુકાના સામખિયાળીમાં અપમૃત્યુના બનાવોમાં બે યુવાનો કાળનો કોળિયો બન્યા હતા. જેમાં એક તળાવમાં ડૂબી જવાથી અને બીજો વેલ્ડીંગ કામ કરતા લાગેલી આગને કારણે દાઝી જતાં મોતને ભેટ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ સામખિયાળીના શાંતિનગર પ્લોટ વિસ્તારમાં રહેતા જીવણભાઈ કોળી (ઉ.વ.રર) નામનો યુવાન ગામના તળાવમાં ડૂબી જવાથી મોતને ભેટ્યો હતો. હતભાગી યુવાન ગત તા.૩૧ના ગૂમ થયો હતો. જેની ગૂમનોંધ પણ તેના મોટાભાઈ રાજેશભાઈ કોલી દ્વારા કરાઈ હતી. હતભાગી કઈ રીતે તળાવમાં ડૂબીને મોતને ભેટ્યો તે સ્પષ્ટ થયું નથી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ સામખિયાળીમાં આવેલ ગેલેન્ટ મેટલ પ્રા.લિ. કંપનીમાં વેલ્ડીંગની કામગીરી દરમિયાન આગના અકસ્માતમાં ગંભીર રીતે દાઝી ગયેલા શ્રમિક કાંતિકુમાર ચિત્રપાલસિંહ રાજપૂત (ઉ.વ.૪પ)નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હતભાગી ગત ૧૧/૩ના રોજ દાઝી ગયા બાદ પ્રથમ સ્થાનિકે સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. જયાં દમ તોડતા સામખિયાળી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.