સાંતલપુરમાં આડેસરના તબીબના મકાનમાં તસ્કરોએ પાડ્યું ખાતર

ભુજ : પાટણ જિલ્લાના સાંતલપુરમાં ડોક્ટરના ઘરને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી રૂ. ૧.૩૦ લાખની ચોરી કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. મળતી માહિતી પ્રમાણે રાપર તાલુકાના આડેસર ગામના વતની અને હાલમાં પાટણ જિલ્લાના સાંતલપુરના જૈન મંદીરની બાજુમાં ભાડાનું મકાન રાખીને રહેતા ડો. ભરતકુમાર ભીમજીભાઇ સુથાર પોતાના મોલની બાજુમાં હોસ્પિટલ ચલાવે છે. જે ગતરોજ દવાખાનેથીબપોર બાદ પોતાના મકાને પરત ફરતાં મકાનનું તાળું તુટેલું જોયું હતું. જેથી અંદર તપાસ કરતાં તેઓ જે પૈસાની બચત માટીના ગલ્લાંઓમાં કરતાં હતા તે ગલ્લાં જોવા મળ્યાં ન હતા અને ઘરની સીડીની બાજુમાં પાણીના ટાંકા ઉપર તુટેલી હાલતમાં ગલ્લાં મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતાં અંદાજે રોકડ રકમ રૂ.૧,૩૦,૦૦૦ની ગાયબ હતી. ડોક્ટરે બચત કરેલાં રૂ.૧,૩૦,૦૦૦ કોઇ અજાણ્યાં ઇસમો ઘરમાં પ્રવેશી તાળું તોડી ચોરી ગયા હોઇ આ બાબતે અજાણ્યા તસ્કરો સામે સાંતલપુર પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.