સ્વરાજ જંગ : કચ્છમાં ફોર્મ ચકાસણીનો ધમધમાટ

સ્વરાજ જંગ : કચ્છમાં ફોર્મ ચકાસણીનો ધમધમાટ

કાલે ચિત્ર સ્પષ્ટ થાય તે પહેલાં આજે ચકાસણીમાં કેટલા ફોર્મ રદ્‌ થાય છે તેના પર રાજકીય પક્ષોની નજર

દુધઈ તા.પં. બેઠક મુદ્દે કોંગ્રેસ હાઈકોર્ટમાં જવાની તૈયારીમાં 

ભુજ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત બીજા તબક્કામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ર૮મીએ મતદાન યોજાવાનું છે. ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો ભરાઈ ગયા હોઈ આજે ફોર્મ ચકાસણી માટેનો ધમધમાટ આરંભાયો છે. કચ્છમાં પણ ચૂંટણી તંત્ર સવારથી ફોર્મ ચકાસણી માટેની કામગીરીમાં જોતરાયું હોઈ ચકાસણી દરમ્યાન કેટલા ફોર્મ રદ્‌ થાય છે તેના પર રાજકીય પક્ષોની મીટ મંડાઈ છે. આવતીકાલે ૧૬ ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. જેથી આવતીકાલે બપોરે ૩ વાગ્યા સુધી ઉમેદવારો અંગે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લાની કુલ્લ ૪૦ જિલ્લા પંચાયત સીટ, ૧૦ તાલુકા પંચાયતની ર૦૪ અને પાંચ નગરપાલિકાના ૪૯ વોર્ડની ૧૯૬ માટે આગામી ર૮મી ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનું છે. જિલ્લા પંચાયત માટે ૧૬૧, તાલુકા પંચાયતો માટે ૭રપ જ્યારે નગરપાલિકા ૭ર૪ ફોર્મ ભરાયા છે. આ ઉમેદવારી ફોર્મની આજે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. આજે જિલ્લાની તમામ આરઓ કચેરી મધ્યે ચૂંટણી અધિકારી અને કર્મચારીઓ દ્વારા ફોર્મ ચકાસણી કરવામાં આવી રહી છે. ચૂંટણી ફોર્મમાં અધુરાશ સહિતના કારણોસર કેટલા ફોર્મ રદ્‌ થાય છે તેનું ચિત્ર આજ સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. આવતીકાલે ફોર્મ પરત ખેંચવા માટેનો અંતિમ દિવસ હોઈ આજે જેટલા ઉમેદવારો મેદાને રહેશે તેમાંથી અપક્ષ સહિતના ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તે માટે પણ સાંજ બાદથી તોડ-જોડની રાજનીતિ શરૂ થઈ જશે. આગામી ૨૮ ફેબ્રુઆરીએ કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, ત્યારે હવે ચિત્ર સ્પષ્ટ થયા બાદ ઉમેદવારો ચૂંટણી પ્રચારના પણ શ્રી ગણેશ કરશે. મતદારોને રિઝવવા માટે ડોર ટૂ ડોર પ્રચાર પણ કરવા ઉપરાંત ખાટલા બેઠકો, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પ્રચાર-પ્રસારને વેગવંતો બનાવવામાં આવશે. ઉમેદવારો પાર્ટીના વિકાસ કાર્યો આગળ મુકી મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કચ્છમાં ઉત્સવ સમાન માહોલ સર્જાયો હોઈ તેના લીધે ખાણીપીણીના ધંધાર્થીઓને પણ તડાકો થયો છે. રાજકીય પક્ષો, ઉમેદવારો, કાર્યકરો પ્રજા વચ્ચે જઈ રહ્યા હોઈ શહેરોની સાથોસાથ ગ્રામ્ય કક્ષાએ પણ નાના ધંધાર્થીઓ ઘરાકીને પગલે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

  • ભાજપના ઉમેદવારે જાતિનું ખોટું પ્રમાણપત્ર રજૂ કર્યું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

અંજાર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે ફોર્મ ચકાસણી હાથ ધરાઈ છે ત્યારે અંજાર તાલુકા પંચાયતની દુધઈ બેઠક પરથી ભાજપના ઉમેદવારે જાતિનું ખોટું પ્રમાણપત્ર રજૂ કર્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે હાઈકોર્ટમાં જવાની તૈયારી હાથ ધરી છે.  ધારાશાસ્ત્રી હરેશ હુંબલે વિગતો આપતા જણાવ્યું કે, અંજાર તાલુકા પંચાયતની દુધઈ બેઠક અનુસૂચિત આદિજાતિ માટે અનામત છે. ભાજપમાંથી ગોવિંદભાઈ પ્રેમજીભાઈ ભીલે ફોર્મ ભર્યું છે, પરંતુ વાસ્તવમાં તેઓ પારાધી છે. તેમના પરિવારજનો પારાધી છે ત્યારે ગોવિંદભાઈ કેવી રીતે ભીલ હોઈ શકે ? ચૂંટણી ફોર્મ સાથે રજૂ કરાયેલો પ્રમાણપત્ર સાચુ ન હોવા અંગે ચૂંટણી અધિકારી સમક્ષ વાંધો રજૂ કરાયો હતો, પરંતુ આ વાંધો ગ્રાહય ન રાખી ફોર્મ મંજૂર કરાયું છે ત્યારે હવે આ મુદ્દે હાઈકોર્ટમાં જવાની તૈયારી હાથ ધરાઈ છે.

  • મુંદરા-બારોઈ નગરપાલિકામાં બપોર સુધી ૭ ફોર્મ રદ્‌

મુંદરા : આજે હાથ ધરાયેલી ફોર્મ ચકાસણી પ્રક્રિયા વેળાએ મુંદરા - બારોઈ નગરપાલિકામાં બપોર સુધી ૭ ફોર્મ રદ્‌ થયા હતા. ચૂંટણી અધિકારી દ્વારા વોર્ડ નં. પ ના અપક્ષ ઉમેદવાર મેઘજીભાઈ સોધમ અને વોર્ડ નં. ૬ના પુજાબેન થરાદી પાસે ટેકેદાર ન હોવાના કારણે નિયમો મુજબ તેમનું ફોર્મ રદ્‌ કરાયું હતું. વોર્ડ નં. ૬ માંથી કોંગ્રેસના મુકેશ સોલંકીએ ફોર્મ ભર્યું હતું. પક્ષે અમુલ ઠક્કરને મેન્ડેટ આપ્યું હતું. જેથી મુકેશ સોલંકીનું ફોર્મ રદ્‌ કરાયું હતું. તો વોર્ડ નં. ૬ના અપક્ષ ઉમેદવાર અલ્પેશ હીરાલાલ સોલંકી અને વોર્ડ નં. ૭ના ડોલીબેન જોશી, અંજુબેન રમેશસિંગ તેમજ ધર્મિષ્ઠાબેન ગોરનું ફોર્મ પણ રદ્‌ થયું હતું.

  • મોથાળા જિ.પં.ની બેઠક પર ભાજપની વાંધા અરજી નકારાઈ

નલિયા : અબડાસા તાલુકાની જિ.પં. બેઠકોની ફોર્મ ચકાસણી પ્રક્રિયા વેળાએ મોથાળા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મુદ્દે ભાજપ તરફથી વાંધા અરજી કરવામાં આવી હતી. ભાજપના આગેવાનોએ ચૂંટણી અધિકારી સમક્ષ વાંધા અરજી નોંધાવી હતી. જો કે, તેને અધિકારીઓ દ્વારા નકારી દેવાઈ હતી. 

  • રાપરમાં જિ.પં.ની પાંચ બેઠકો પર ભાજપ-કોંગ્રેસની સીધી ટક્કર

રાપર : સ્થાનિક સ્વરાજના જંગમાં ભરાયેલા ફોર્મની આજે ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં રાપર તાલુકામાં સમાવિષ્ટ જિ.પં.ની પાંચ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના ૧૦ ઉમેદવારો વચ્ચે આમને - સામને ટક્કર થશે. રાપર મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી કિરણસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં રાપર તાલુકામાં આવેલ જિલ્લા પંચાયતની પાંચ બેઠકો પર કુલ્લ ૧૭ ફોર્મ ભરાયા હતા. જે પૈકી ભાજપ કોંગ્રેસના જ ડમી ઉમેદવારોએ ભરેલા ૭ ફોર્મ રદ્‌ કરાવ્યા હતા, ત્યારે હવે અહીં ૧૦ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં પાંચ ભાજપના અને પાંચ કોંગ્રેસના છે. હજુ આવતીકાલે ફોર્મ પરત ખેંચવાની આખર તારીખ છે, ત્યાર બાદ અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હાલ તો રાપર તાલુકાની જિલ્લા પંચાયતની પાંચ બેઠકો પર ભાજપ - કોંગ્રેસની સીધી ટક્કર થાય તેવો વર્તારો જોવા મળે છે. 

  • સઈ તા.પં. કોંગ્રેસ ઉમેદવારના મેન્ડેટ મુદ્દે તંત્રની તપાસ

રાપર : તાલુકા પંચાયતની સઈ બેઠક પરથી કોંગ્રેસના જશુભા પુંજાજી સોઢાએ ફોર્મ ભર્યું છે. જો કે પક્ષ તરફથી તેમને અપાયેલા મેન્ડેટમાં અટક જુદી હોઈ ઓબ્ઝર્વર દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. આજરોજ હાથ ધરાયેલ ફોર્મ ચકાસણી વેળાએ કોંગ્રેસના ઉમેદવાર જશુભા પુંજાજી સોઢાના મેન્ડેટમાં અટક સોઢાના બદલે જાડેજા લખેલું હોઈ ઓબ્ઝર્વર જે.એમ. પટેલે તપાસ હાથ ધરી હતી.