સ્વરાજ જંગ : કચ્છમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો : જોેડતોડની રાજનીતિ શરૂ

સ્વરાજ જંગ : કચ્છમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો : જોેડતોડની રાજનીતિ શરૂ

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ૪૪૦ બેઠકો માટે ૧૬૭૦ ફોર્મ ભરાયા : ૧૬મીએ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હોઈ તે પૂર્વે ખેલાશે અનેક ખેલ

ભુજ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જતા કચ્છમાં ઉમેદવારોનો રીતસરનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આપના ઉમેદવારોની સાથે અપક્ષો મોટી સંખ્યામાં મેદાને હોઈ ચૂંટણી જંગ ભારે રસપ્રદ બન્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોઈ જોડતોડની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે.
આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લા પંચાયત ઉપરાંત ભુજ, માંડવી, અબડાસા, લખપત, અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર, નખત્રાણા અને મુન્દ્રા તાલુકા પંચાયતની સાથે ભુજ, માંડવી, અંજાર, ગાંધીધામ તેમજ મુન્દ્રા-બારોઈ નગરપાલિકાની ર૮મીએ ચૂંટણી યોજાવાની છે. જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયત અને પાંચ નગરપાલિકાની ૪૪૦ બેઠકો માટે કુલ ૧૬૭૦ ઉમેદવારો મેદાને છે. ચૂંટણી પૂર્વે જ ભુજ નગરપાલિકાની બે અને ભુજ તાલુકા પંચાયતની ૧ બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અધધધ ૧૬૭૦ ઉમેદવારો મેદાને હોઈ તંત્રની પણ બરાબરની કસોટી થઈ રહી છે. આવતીકાલે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને ૧૬મીએ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. સ્વરાજ જંગ મુખ્યત્વે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ છે, પરંતુ કેટલીક બેઠકો પર આપ તેમજ અપક્ષના ઉમેદવારો બાજી બગાડી શકે તેમ છે. અપક્ષ ઉમેદવારો વોટ તોડવા માટે મુખ્ય ભૂમિકા ભજવતા હોઈ તેઓ સાથે સોદાબાજી કરવા સિમિત સમય હોઈ બેઠકોનો ધમધમાટ આરંભી દેવાયો છે. અપક્ષો ફોર્મ પરત ખેંચે તે માટે ક્યાંક સમજાવટથી કામ લેવાઈ રહ્યું છે, તો ક્યાંક પ્રલોભનો પણ અપાઈ રહ્યા છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા શરૂ કરાયેલી જોડતોડની રાજનીતિ કેટલી સફળ નિવડે છે તેનું ચિત્ર ૧૬મીએ સ્પષ્ટ થઈ જશે.