સરાડામાં વન વિભાગે પ્લોટ બનાવતા બે ગામ વચ્ચે ધિંગાણાની ભીતિ : સરપંચે રાજીનામું ધર્યું

ભુજ :  તાલુકાના સરાડા ગામમાં વન વિભાગે પંચાયતની મંજુરી વિના પ્લોટ બનાવતા બે ગામ વચ્ચે ધિંગાણાની ભીતી સર્જાઈ છે. જેથી સરપંચે પોતાની જવાબદારી સમજી ટીડીઓને રાજીનામું ધર્યુ છે.  સરાડા જુથ ગ્રામ પંચાયત નીચાણવાળું ગામ છે. સરાડા મોટા, સરાડા નાના, રભુવાંઢ અને અન્ય ૧૦ જેટલી નાની-મોટી વાંઢોની વસ્તી ૩પ૦૦ની છે. ૧પ૦૦૦ જેટલા પશુધન છે. ચોમાસા દરમ્યાન ઉંચાણવાળા વિસ્તાર થલાવાંઢ, તાલબવાંઢમાં લોકો વસવાટ કરે છે અને ઉંચાણવાળા સલામત સ્થળ પર પશુઓનું ચરિયાણ કરે છે. સરાડા મોટા, સરાડા નાના, રભુવાંઢમાં ચોમાસા દરમ્યાન ૪-પ ફુટ પાણી ચાર માસ સુધી ભરાયેલું રહે છે. ર૦૧પમાં પૂરના લીધે ૧૮ર માણસો પાણીમાં ફસાઈ ગયા હતા. આ સમસ્યાથી વહીવટ તંત્ર સારી રીતે વાકેફ છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા તા.ર૯/પ/ર૧ના રોજ પોલીસની મદદ લઈ સરાડા જુથ ગ્રામ પંચાયતને જાણ કર્યા વગર પ્લોટ બનાવવાની કામગીરી પણ કરી છે. જેના કારણે આ ગામોના લોકોમાં સરપંચ વિરૂધ્ધ રોષ ફેલાયો છે અને પ્લોટની જગ્યા બાબતે સરાડા મોટા અને સરાડા નાનાના લોકો વચ્ચે તણાવ ઉભો થયો છે. બન્ને ગામના લોકો વચ્ચે ધિંગાણું સર્જાય અને જાનહાનિ થાય તેવી સંભાવના હોવાથી સરપંચે નૈતિક જવાબદારી સ્વીકાર રાજીનામું આપ્યું છે.  સરપંચે કહ્યું કે, અમે માલધારી વર્ગ છીએ, અમારા વડીલ બાપ-દાદાઓથી પશુ પર નિભાવ કરીએ છીએ. પણ ફોરેસ્ટના પ્લોટ પશુધન માટે મોતના કુવા સમાન છે. કલેકટરના હુકમથી આ પ્લોટ બનાવાયા છે. જેને અટકાવવા માટે કલેકટરને લેખિત જાણ કરી હોવા છતાં પ્લોટની કામગીરી અટકાવાઈ નથી. થલાવાંઢ સુધી રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી પાકો રસ્તો બનાવેલ છે. ગામમાં આ વાતાવરણના લીધે સરપંચ પદેથી રાજીખુશીથી રાજીનામું આપ્યું હોવાનું સરપંચ જત બબાભાઈ જીવરાજે કહ્યું હતું.