સરકાર કાંતો સંપૂર્ણ લોકડાઉન કરે અથવા તમામ વેપારીઓ સાથે સરખી નીતિ અપનાવે

કચ્છમાં માત્ર ભુજને ગાંધીધામમાં બંધ અને અન્ય શહેરો, તાલુકાઓમાં છૂટછાટ : સરકારની નીતિ વખોડીને હિન્દુસ્થાન નિર્માણ દળ દ્વારા કરાઈ રજૂઆત

ભુજ : જિલ્લા મથક ભુજ અને ગાંધીધામમાં રાત્રી કફર્યું ઉપરાંતના નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જેના કારણે વેપારીઓની હાલત કફોડી બની છે ત્યારે હિન્દુસ્થાન નિર્માણ દળ દ્વારા કલેકટર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.હિન્દુસ્થાન નિર્માણ દળ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, સરકારે જે રીતે આડેધડ લોકડાઉનનો નિર્ણય કર્યો છે તે યોગ્ય નથી. કાંતો સંપૂર્ણ લોકડાઉન અમલી બનાવવો જોઈએ. કચ્છમાં માત્ર ભુજ અને ગાંધીધામમાં જ લોકડાઉન અને આસપાસના ગામડાઓમાં કાંઈ જ નહિ. શું ત્યાં કોરોના નથી. ત્યારે ભુજમાં કપડાના વેપારીઓ હોય કે લારી-ગલ્લાવાળા તમામને છૂટ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. સાથે જ ભુજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વેપારીઓની સાથે રહેવાને બદલે રાજકીય ઓથ હેઠળ પોતાનો હોદ્દો જમાવી બેઠા છે. દુઃખની ઘડીમાં તેઓ વેપારીઓ સાથે રહી ન શકતા હોય તો તેમને હોદ્દા પર રહેવાનો કોઈ અધિકાર નથી અને તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. સાથે જ સરકારની લોકડાઉનની બેવડી નીતિઓને વખોડવામાં આવી હતી અને જો ધંધા રોજગાર શરૂ કરવા દેવામાં નહી આવે તો આગામી ૧૦/પના જ્યુબિલી સર્કલ મધ્યે ધરણા કરવાની ચિમકી ઉચ્ચારાઈ છે.