સમરસ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની લાઇન લીકેજ થતા અફડાતફડી મચી

(જી.એન.એસ.)વડોદરા,વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નજીક આવેલી સમરસ કોવિડ હોસ્પિલમાં મંગળવારે મોડી રાત્રે ઓક્સિજન લાઇનમાં લીકેજ થતાં દોડધામ મચી ગઇ હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને ઓક્સિજન એન્જિનિયર સહિતની ટીમે તાબડતોબ સ્થળ પર પહોંચીને લીકેજ અટકાવ્યું હતું. જોકે, ઓક્સિજન લાઇન લીકેજ થતાં કોરોનાના ૫ દર્દીને બીજા વોર્ડમાં શિફ્ટ કરવા પડ્યા હતા અને મોટી દુર્ઘટના થતાં ટળી ગઇ હતી.વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નજીક આવેલી સમરસ કોવિડ હોસ્પિટલના સી બ્લોકના ત્રીજા માળે ૩૦૪માં ઓક્સિજનની લાઈનમાં મંગળવારે મોડી રાત્રે ગેસ લીકેજની ઘટના બની હતી. ઘટનાના સ્ટાફમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં ત્યાં ઓક્સિજન એન્જિનિયર અને ટેક્નિશિયનની ટીમ સમરસ હોસ્પિટલમાં પહોંચી ગઇ હતી. આ ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે લીકેજ લાઈનનું સમારકામ કરવાની તજવીજ હાથ ધરી હતી અને દર્દીઓને બીજા વોર્ડમાં શિફ્ટ કરવાની કામગીરી શરૂ કરી હતી.સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, સોમરસ હોસ્પિટલમાં ઓક્સિજનનું માઇનોર લીકેજ હતું અને ત્યાં પહોંચેલી ટીમે મરામત કરી દીધી હતી. કોઈ પરેશાની જેવી બાબત નથી. ઘટનાના પગલે વડોદરા ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર દોડી જઇ કામગીરી હાથ ધરી હતી. કોરોનાના ૫ દર્દીને બીજા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.