સતત બીજા વર્ષે લગ્નસરાની સીઝનને કોરોના ભરખી જશે : કચ્છીઓમાં ભયનો લખલખું

જેમના ઘરે આગામી સમયમાં શુભ પ્રસંગો યોજાવાના છે તેવા પરિવારોમાં ચિંતાનો માહોલ : કેટરર્સ, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફી – વિડીયો ગ્રાફી સહિતના ધંધાર્થીઓના જીવ ચોટયા તાળવે : કોરોનાનો સકંજો મજબુત બને તો તંત્રની મંજૂરી લેવા સહિતની પ્રક્રિયાઓ કઠીન બને તેવી દહેશત : ધાર્મિક પ્રસંગો સહિતના મેડા – મલાખડા કોરોના ભરખી જાય તો નવાઈ નહીં

(બ્યુરો દ્વારા)ભુજ : વૈશ્વિક મહામારી કોરોનાએ ગત માર્ચ માસમાં દેખા દીધા બાદ આજ દિવસ સુધી સમવાનું નામ ન લેતા તેનો કહેર હજુય યથાવત છે. આ મહામારીને એક વર્ષ પૂર્ણ થઈ ગયું હોવા છતાં તેની તીવ્રતા અકબંધ રહી હોઈ પુનઃ પોઝીટીવ કેસોમાં ચિંતાજનક સ્તરે ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાના વધી રહેલા વ્યાપને પગલે અનેક વિસ્તારોમાં નિયંત્રણો સખ્ત બનાવવાની ફરજ પણ પડી છે. કચ્છમાં આગામી સમયમાં લગ્નસરાની સીઝન આવી રહી છે ત્યારે સતત બીજા વર્ષે લગ્નસરાની સીઝનને કોરોના ભરખી જશે તેવી દહેશત કચ્છીજનોમાં વ્યાપી ગઈ છે.
આ અંગે વિગતે વાત કરીએ તો ગત વર્ષે કોરોનાના કહેરના પગલે આકરા નિયમો અમલી બનાવાતા શુભ પ્રસંગોની ઉજવણીને ઝાંખપ લાગી ગઈ હતી. લોકડાઉન દરમ્યાન તો માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ લોકોની ઉપસ્થિતિમાં લગ્ન પ્રસંગો સંપન્ન કરવા પડતા હતા. તો તે બાદ પણ સરકારે અમલી બનાવેલ કોરોના ગાઈડલાઈનના પગલે સમૂહલગ્ન સહિતના આયોજનો મોકુફ રાખવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને હિન્દુ ધર્મમાં અખાત્રીજ સહિતના શુભ દિવસોએ વણ જોયા મુર્હૂતોમાં સમૂહલગ્ન યોજવાની પ્રથા પણ મોકુફ રાખવાની ફરજ પડી હતી, તો આહિર સમાજમાં પણ વર્ષમાં એક વખત લેવાતા વૈશાખ માસમાં અંધારી તેરસના લગ્ન કોરોનાના કારણે સ્થગિત કરી દેવાયા હતા. ગત વર્ષે લગ્ન સહિતના શુભ પ્રસંગોની ઉજવણીને લાગેલી ઝાંખપ દૂર થશે તેવી લોકોમાં આશા સેવાઈ હતી. પરંતુ ફરી કોરોનાની બીજી લહેર આવતા દેશ તેમજ રાજયના અન્ય વિસ્તારોની સાથોસાથ કચ્છમાં પણ કેસોની સંખ્યામાં ઉછાળો આવી રહ્યો હોઈ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં લગ્નસરાની સીઝન શરૂ થવાની છે ત્યારે જેમના ઘરે આગામી સમયમાં શુભ પ્રસંગો યોજાવાના છે તેવા પરિવારોમાં ચિંતાનો માહોલ જોવ મળી રહ્યો છે. બીજીતરફ કેટરર્સ, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફી – વિડીયો ગ્રાફી સહિતના ધંધાર્થીઓના જીવ પણ તાળવે ચોટયા છે. કોરોનાનો સકંજો મજબુત બને તો તંત્રની મંજૂરી લેવા સહિતની પ્રક્રિયાઓ કઠીન બને તેવી દહેશત હોઈ આગામી સમયમાં શું થશે તે અંગેની ચિંતા લોકોને સતાવી રહી છે.