સંભવિત તાઉ’તે વાવાઝોડાના સંદર્ભે મસ્કા એન્કરવાલા હોસ્પિટલના ૪૬ દર્દીઓને ભુજ સમરસ હોસ્પિટલ ખાતે ખસેડાયા

સંભવિત તાઉ’તે વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા લોકોની સુરક્ષા માટે અગાઉથી સાવચેતીના પગલાં લેવામાં આવી રહયા છે. સંભવિત અસર પામે તેવા લોકોને કોરોનાની ગાઇડલાઇન મુજબ આશ્રયસ્થાનો પર સ્થળાંતર કરવામાં આવી રહયા છે. આ અન્વયે મસ્કા ખાતેની એન્કરવાલા કોવિડ હોસ્પિટલ સંભવિત અસર પામે તેવા વિસ્તારમાં આવતી હોવાથી તકેદારીના ભાગરૂપે ત્યાંના ૪૬ દર્દીઓને ભુજની સમરસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

                   
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગના બુલેટિન મુજબ ૧૮મી મે ના રોજ કચ્છ પર વાવાઝોડાની સંભાવના હોવાથી તંત્ર દ્વારા સાવચેતીના અનેક પગલાં લેવાઇ રહયા છે અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી રહયા છે. આ સંજોગોમાં કોરોનાના દર્દીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મસ્કા ખાતે આવેલી એન્કરવાલા કોવીડ હોસ્પિટલ દરિયા કિનારાથી ખુબ નજીક આવેલી હોવાથી સંભાવિત અસર પામે તેવા વિસ્તારોમાં તે સ્થાન પામે છે જેથી ત્યાં દાખલ કોરોનાના દર્દીઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરવી અત્યંત જરૂરી હતી. આ સંજોગોમાં વહીવટી તંત્ર દ્વારા ઝડપી પગલાં લઇ એન્કરવાલા કોવીડ હોસ્પિટલના ૮ બાયપેપ પરના પેશન્ટ સહિત કુલ ૪૬ દર્દીઓને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી મેહુલ જોશી અને નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી એમ.બી.પ્રજાપતિના સંકલન અને દેખરેખ હેઠળ ભુજ સમરસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.