સંક્રમણ વધતા ભુજ આરટીઓએ ફરી નિયમોની અમલવારી માટે પરિપત્ર જારી કર્યો

પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહનોમાં પરિપત્રની અમલવારી કરાવવામાં આરટીઓ વિભાગ નિષ્ક્રીય હોવાનો તાલ

ભુજ : જિલ્લામાં વધતી કોરોના મહામારીને અંકુશમાં લેવા માટે વિવિધ સરકારી વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે આરટીઓ વિભાગ પણ રહી રહીને જાગ્યું છે. જેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહનોમાં કોવિડ-૧૯ના નિયમો જળવાઈ રહે તે માટે બસ, રિક્ષા, ટેક્સી એસોસિએશનને જાણ કરવામાં આવી છે. અલબત કાગળ પર પ્રસિદ્ધ કરાયેલા આ જાહેરનામાની ખરી અમલવારી કયારે થશે તે નક્કી નથી.

ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા કચ્છ જિલ્લા બસ ઓનર્સ એસોસિએશન, કચ્છ જિલ્લા ટેક્સી – મેક્સિ એસોસિએન અને ગાંધીધામ બસ ઓનર્સ એસોસિએશનને પત્ર લખી જાણ કરવામાં આવી છે. આરટીઓ સી.ડી. પટેલ દ્વારા જારી કરાયેલ પત્રમાં જણાવ્યા પ્રમાણે એસટી બસ તેમજ ખાનગી બસોમાં કેપીસિટીના ૭પ ટકા મુસાફરોને બેસાડી શકાશે. રિક્ષામાં ડ્રાઈવર સહિત બે પેસેન્જર, કેબ – ટેક્સિમાં ડ્રાઈવર તેમજ ૩ વ્યક્તિઓ ઉપરાંત વાહનમાં ૬ સીટની કેપીસીટી હોય તો ડ્રાઈવર સહિત ૪ લોકો બેસી શકશે. જયારે ખાનગી વાહનોમાં ડ્રાઈવર સહિત ૩ અને ટૂ-વ્હીલરમાં મહતમ બે લોકો સવારી કરી શકશે. તમામ લોકોએ માસ્ક પહેરવાનું રહેશે. તેમજ આ જાહેરનામાનો અમલ કરવાનો રહેશે. જાહેરનામાના ભંગ બદલ દંડનીય કામગીરી કરાશે તેવી ચેતવણી આપવામાં આવી છે. જાે કે, આ નિયમોની અમલવારી થશે કે કેમ તેની સામે પ્રશ્નાર્થ છે કારણ કે હાલમાં પણ ખાનગી બસોમાં કેપીસિટી કરતાં વધુ લોકો સવારી કરે છે. અમુક બસ, તુફાન, જીપમાં તો પ્રવાસીઓ ટીંગાઈને નજરે પડે છે. છકડા, રિક્ષામાં પણ વધુ લોકોને બેસાડાય છે. તેમજ કોઈ સ્થળે આરટીઓ વાળા ચેકિંગ કરતા હોય તો તરત જ એકબીજાને ફોન કરીને જાણ કરી દેવાય છે, જેથી રસ્તામાં જ અડધા પ્રવાસીઓને ઉતારી સલામત રીતે વાહન પસાર કરી લેવાય છે.