સંકલિત બાળ વિકાસ યોજનાની ડિસ્ટ્રીકટ કન્વર્ઝન મીટીંગ યોજાઇ

ભુજ : જિલ્લા પંચાયત સંકલિત બાળ વિકાસ યોજના (આઇ.સી.ડી.એસ.) દ્વારા મોનીટરીંગ અને રીવ્યુ
કમીટી અને ડિસ્ટ્રીકટ કન્વર્ઝન એકશન પ્લાની ત્રિમાસિક મીટીંગ જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના
અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઇ હતી.
કલેકટરશ્રીએ આંગણવાડી કેન્દ્રમાં અપાતી સેવાઓ જેમ કે પુરક પોષણ અને પૂર્વ પ્રાથમિક
શિક્ષણ તેમજ આંગણવાડી કેન્દ્રની ભૌતિક સુવિધાઓની રીવ્યુ લેતા કહયું કે, આંગણવાડી કેન્દ્રમાં અપાતી
તમામ સેવાઓનું લાભ કચ્છના છેવાડાનાં ગામડા સુધી પહોંચે અને તેનું યોગ્ય મોનીટરીંગ જે તે
સીડીપીઓ દ્વારા કરવામાં આવે. તે અંગે સીડીપીઓને સુચના પણ આપવામાં આવે. તદઉપરાંત જે
આંગણવાડી કેન્દ્રમાં પાયાની ભૌતિક સુવિધાઓ જેવી કે પાણી કનેકશન, શૌચાલય તેમજ વીજળી
કનેકશન જે તે ડિપાર્ટમેન્ટના સંકલનમાં રહી તાત્કાલિક ધોરણે પુરા કરવા જણાવેલ છે. આંગણવાડી
કેન્દ્રમાં SAG યોજના અંતર્ગત ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓના વાલીઓ સાથે મીટીંગ
કરવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પ્રજાપતિ અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણને સુચના
આપવામાં આવી હતી.
આંગણવાડી કેન્દ્રમાં આપવામાં આવતાં પુરક પોષણના ભાગરૂપે (HCM) જે જથ્થા (FPS) ઉપર
આવે છે. તે જથ્થો આંગણવાડી કેન્દ્રના વર્કર દ્વારા BIO મેટ્રિક દ્વારા ઓનલાઇન ઉપાડવાની સુચના થઇ
આવી હતી. કચ્છમાં કેટલા કેન્દ્રમાં ઓનલાઇન ઉપાડ થઇ શકતું ન હોવાથી કલેકટરશ્રી દ્વારા જિલ્લા
પુરવઠા અધિકારીશ્રીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા સુચના આપી છે.
આંગણવાડી કેન્દ્રમાં ૦-૬ વર્ષના તમામ બાળકોને લાભ આપવામાં આવે છે. તેમજ ગ્રોથ
મોનીટરીંગ માટે દર માસના પ્રથમ મંગળવારે ૦-૫ વર્ષના બાળકોનું વજન તેમજ ઉંચાઇ કરવામાં આવે
છે. જે સંદર્ભે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.માઢક દ્વારા મહિનાના પ્રથમ મંગળવાર અતિ અને
મધ્યમ બાળકોની આરોગ્ય તપાસ કરવા માટે સુચના આપવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી મેહુલ
જોશી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢક, શિક્ષણાધિકારીશ્રીના પ્રતિનિધિ, જિલ્લા પ્રાથમિક
શિક્ષણાધિકારીશ્રી પ્રજાપતિ, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીના પ્રતિનિધિ,
અન્ય અધિકારીઓ, ઘટકના સીડીપીઓશ્રીઓ, પ્રતિનિધિ તેમજ અન્ય કર્મચારીઓ બેઠકમાં ઉપસ્થિત
રહયા હતા.