શ્રીલંકાએ ક્રૂડ ઓઇલ ખરીદવા ભારત પાસે રૂ. ૩૭૫૨ કરોડની લોન માંગી

0
66

(એ.આર.એલ),કોલંબો,ક્રૂડ ઓઇલની ખરીદી માટે શ્રીલંકાએ ભારત પાસે ૫૦ કરોડ ડોલર(૩૭૫૨ કરોડ રૂપિયા)ની લોન માગી છે. શ્રીલંકાએ આ લોનની માગ પોતાના ઉર્જા પ્રધાન ઉદય ગમ્મનપિલાના એ નિવેદન પછી આવ્યું છે જેમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે દેશમાં ઇંધણની ઉપલબૃધતાની ગેરંટી આગામી વર્ષે જાન્યુઆરી સુધીમાં જ આપી શકાય તેમ છે.શ્રીલંકાની સરકારી ઓઇલ કંપની સીલોન પેટ્રોલિયમ કોર્પોરેશન(સીપીસી) પર અગાઉ જ દેશની બે અગ્રણી સરકારી બેંકો બેંક ઓફ સીલોન અને પીપલ્સ બેંકનું લગભગ ૩.૩ અબજ ડોલરનું દેવું છે. સીપીસી પશ્ચિમ એશિયામાંથી ક્રૂડ ઓઇલ અને સિંગાપોર સહિતના દેશોમાંથી રિફાઇન્ડ પ્રોડક્ટની આયાત કરે છે.સ્થાનિક મીડિયાએ સીપીસીના ચેરમેન સુમિત વિજયસિંઘેના સંદર્ભથી જણાવ્યું છે કે અમે ભારત-શ્રીલંકા આર્થિક ભાગીદારી વ્યવસૃથા હેઠળ ૫૦ કરોડ ડોલરની ઋણ સુવિધા પ્રાપ્ત કરવા માટે હાલમાં શ્રીલંકા સ્તિત ભારતના હાઇ કમિશનર સાથે મંત્રણા કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે આ લોનની રકમનો ઉપયોગ પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરવા માટે કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે શ્રીલંકાને ચાલુ વર્ષે ક્રૂડ ઓઇલની ખરીદી કરવામાં વધારે ખર્ચ કરવો પડી રહ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષના પ્રથમ સાત મહિનામાં દેશનું ઓઇલ બિલ ૪૧.૫ ટકા વધીને બે અબજ ડોલર થઇ ગયું છે.