શિણાયમાં તાજી ભરતીવાળી જમીન પરના ભુજના બિલ્ડરના કૌભાંડ મુદ્દે ‘‘નવીન’’ ભીતી

નિયમાનુસાર નવી-તાજી ભરતી કરેલી જમીન પર બાંધકામ કરવુ નીવડી શકે છે જોખમકારક : રાજય સરકારના શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પણ આ સબબની ખરાઈ કરવાનો સત્તામંડળને આપી દીધો છે આદેશ

તંત્ર જાગે… નહીં તો, ભુજનો કૌભાંડી બિલ્ડર “નવીન” કરોડોની જમીન કરી જશે “ઔંઈયા”

શિણાયમાં તાજી ભરતી વાળી જમીન પર બાંધકામ થયુ તો જોખમી જ જોખમી છે, બિલ્ડર તો મકાનો બનાવી વેચી નીકળી જશે, મરો થશે ગરીબ-મધ્યમવર્ગના ખરીદદારોનો…! તેમાં પણ ડેમની ઓગનનો કુદરતી વહેણ પણ આ જ તાજી ભરતીવાળી જમીન પરથી થઈને જતો હોવાથી ભવિષ્યમાં અહી કોલોની-સોસાયટી વિકસી તો ડુબમાં જવાની સેવાય છે પુરેપુરી શકયતાઓ : બાંધકામ પણ નબળુ થવાથી ભુકંપ ઝોન પાંચવાળા કચ્છમાં આવી સોસાયટીઓ બની શકે છે મોટી નુકસાનકારક : તંત્ર વિના વિલંબે આ પ્રકારની છાની પ્રવૃતીઓને અટકાવે તે જ સમયનો તકાજો

ગાંધીધામ : તાલુકાના શિણાય ગામના વિશાળ પટ્ટમાં અંદાજિત ૬૦થી ૭૦ એકર જમીનમાં તાજી -તાજી જ ભરતીઓ કરી, ખાડાવાળી જમીનને ભરી દઈ અને તેના પર નાના બજેટના મકાનો બાંધી ગરીબો અને જરૂરીયામંદ મધ્યમવર્ગને પેરણાવીને કરોડોની તગડી રકમ ગજવામાં કરી લેવાની ફિરાકમાં ભુજના એક નામીચા બિલ્ડરનું પ્રકરણ હાલમાં ખુબ ગાજી રહ્યુ છે.શિણાયમાં ખાડાવાળી જમીનમાં તાજી ભરતી કરી તેના સોઈલ ટેસ્ટ કરાવી અને જીડીએમાંથી લે આઉટ પ્લાનની મંજુરીઓ પણ મેળવી લેવાઈ હતી પરંતુ જાગૃત નાગરીકે આ સબબ ધારદાર અરજ કરતા હાલમાં સત્તામંડળને આંધળુ થઈને આવી મંજુરીઓ આપી દેવાના બદલે સ્થળ તપાસ કરી, ખરાઈ કરી, સરકારી રાહે સોઈલ ટેસ્ટ કરાવ્યા બાદ જ આ પ્રોજેકટની આગળ મંજુરીઓ આપવાની સુચનાઓ સાથે સ્પષ્ટ આદેશ આપી દેવામા આવ્યો છે. હવે તંત્ર આ બાબતે કયારે કાર્યવાહી કરે છે તે જોવાનુ રહ્યુ પરંતુ બીજીતરફ જાણકારો દ્વારા અહી એવી પણ અન્ય મોટી અને નવીન ભીતી દર્શાવવામાં આવી રહી છે કે, જે તાજી ભરતી જમીનમાં કરાઈ છે અને તેના પર બાંધકામ થશે તો નબળુ જ નબળુ થવાનુ છે પરંતુ બીજીતરફ ડેમના ઓગનનો કુદરતી વહેણ પણ આ સોસાયટી જયાં વિકસવાની છે ત્યાથી જ થઈને જાય છે. આ વહેણ વરસો પુરાણો છે. અહી જોવાની વાત એ છે કે, જો અહી સોસાયટી બનાવાઈ, કે મકાનો-બાંધકામ કરવામાં આવ્યા તો જયારે પણ ડેમ ઓગનાશે ત્યારે પાણી અહીથી જ મોટા પ્રમાણમાં જશે જેના પગલે આ સોસાયટીઓ ડુબમાં જવાની સ્થિતી સર્જાવવાની પુરેપુરી ભીતી છે. આ ઉપરાંત બાધકામ પર પાણીનો સતત મારો અને પ્રવાહ જો વહેતો રહેશે તો એ પણ તાજીભરતી વાળી જમીન પર થયેલ બાંધકામના લીધે આવા બાંધકામ અને મકાનોને હલબલાવી જ દેશે. હકીકતમાં શિણાયમાં તાજી ભરતીવાળી જમીનો પર જે બાંધકામ થઈ રહ્યા છે તેને ખરીદનારાઓએ સો વખત વિચાર કરવો જોઈએ. આવી સોસાયટીઓમા ભલેને સરકારી રાહે સબસીડીઓ મળે તો પણ મકાન ખરીદવા પહેલા તમામ પાસાઓ ચકાસવા જોઈએ નહી તો બિલ્ડર તો સોસાયટીઓમાં મકાનો ચણી, વેંચીને પોબારા જ ભણી જવાના છે.