શનિ-રવિ ગાંધીધામને સ્વૈચ્છિક બંધ રાખવાની અપીલને સમર્થન

કોરોનાના વધતા જતા સંક્રમણની ચેઈન તોડવા ગાંધીધામના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો : વેપારી એસોસીએશન અને ચેમ્બરના આગેવાનોએ શહેરમાં નિકળી દુકાનો બંધ કરી કોરોના સામેની જંગમાં સાથ આપવા કરી અપીલ

(પ્રતિનિધિ દ્વારા)ગાંધીધામ : જિલ્લામાં કોરોના મહામારીને કારણે પરિસ્થિતિ દિન પ્રતિદિન કપરી બનતી જાય છે. કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ તેજ ગતિએ ફેલાઈ રહ્યું છે ત્યારે કોરોનાની ચેઈન તોડવા માટે ગાંધીધામમાં શનિ – રવિ બે દિવસ બંધ પાડવાનું એલાન અપાયું હતું, જેને મોટા ભાગના વેપારીઓએ સમર્થન કરતા આજે ગાંધીધામ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. આ અંગેની વિગતો મુજબ ગાંધીધામના ધારાસભ્ય તેમજ ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ, ગાંધીધામ ચેમ્બર પ્રમુખ, ગાંધીધામ વેપારી મંડળના પ્રમુખ રાજુભાઈ ચંદનાની તેમજ શહેરના અગ્રણીઓ સાથે સંયુકત બેઠક યોજાઈ હતી, જેમાં ગાંધીધામ શહેરમાં વકરી રહેલી કોરોના મહામારી અંગે સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં સર્વાનુમત્તે હાલની પરિસ્થિતિની ગંભીરતાને જોતા તેમજ કોરોના મહામારીના ફેલાતા સંક્રમણની સાંકળને તોડવા માટે શનિ – રવિ બે દિવસ સ્વૈચ્છિક બંધ પાડવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી. આ અપીલને સમર્થન કરીને ગાંધીધામ વેપારી મંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સ્વૈચ્છિક બંધ પાડવામાં આવ્યો હતો અને ગાંધીધામ, આદિપુરની દુકાનો, બ્રાન્ડ સ્ટોર, મોલ, ઓફિસ સહિતના તમામ ધંધાર્થીઓ અને જાહેર જનતાએ પોતાની નૈતિક જવાબદારી સમજીને બે દિવસીય સ્વયંભૂ લોકડાઉનમાં સમર્થન કર્યું હતું. આ દરમ્યાન ગાંધીધામ વેપારી એસોસીએશનના પ્રમુખ સહિતના આગેવાનોએ બજારની સમીક્ષા કરી હતી. જે એકલ – દોકલ વેપારીઓએ પોતાની દુકાનો ખુલ્લી રાખી હતી, તેઓને બંધના સમર્થનમાં જોડાવવા અપીલ કરાઈ હતી. જો કે, બંધના એલાનને પગલે ગાંધીધામ, આદિપુરમાં સ્વયંભુ સંચારબંધી જોવા મળી હતી. જીવન જરૂરી તેમજ આવશ્યક સેવાઓ સિવાયની મોટા ભાગની દુકાનો જડબેસલાક બંધ જોવા મળી હતી. હજુ આવતીકાલે રવિવારે પણ બજાર સદંતર બંધ રહેશે તેવું વેપારી એસોસીએશન અને ચેમ્બર દ્વારા જણાવાયું હતું.

  • શર્મ કરો શર્મ : કચ્છને કોવિદ બેડ-વેન્ટીલેટર-ઓકસિજન – ઈન્જેકશનની ખપ છે, અને તમે શું માંગી રહ્યા છો ?

કયારે સુધરશે કચ્છના સસ્તીપ્રસિદ્ધી ભુખ્યા ઝભ્ભાલેંગાધારીઓ..?

માસ્કીંગ ખુબજ જરૂરીયાત છે, તેમા ના નહી, પણ હાલમાં તો કોવિદ કેર બેડ-ઓકસિજન, વેન્ટીલેટર-રેમડેસિવર ઈન્જેકશનોની અછતનો વિકરાળ છે પ્રશ્ન : સુરતના એમએલએ આખેઆખી કોવિદ હોસ્પિટલ ઉભી કરી શકે છે, તો તમે સરકારી માળખાને તો કચ્છમાં સારી રીતે અમલવારી કરી બતાવો..! : સ્વયંભુ બંધ કરાવવા બે હાથ જોડવાનો સમયતો એકાદ સપ્તાહ પહેલા જ નિકળી ગયો, ઘોડા છુટયા પછી તબેલાને તાળા દેવા શું નિકળી પડ્યા છો ? થોડીક પણ લાજ શરમ બચી હોય તો પૂર્વ કચ્છમાં ટેસ્ટીંગલેબ, ઈન્જેકશનો, ઓકસિજન વાળા બેડ વધારવા સફળ રજૂઆત કરી દેખાડો

ગાંધીધામ : કચ્છની ભોળી પ્રજા ખોબલે ખોબલે મતો આપી અને આ જીલ્લાને ભારતીય જનતા પાર્ટીનો ગઢ તરીકે ઓળખીતો કરી દીધો છે અને બીજીતરફ ગુજરાતની સંવેદનશીલ વિજયભાઈની સરકાર પણ સામેપક્ષે વળતો પ્રતિસાદ આ પ્રજાના સુખ-સુખમાં વણમાંગ્યે મદદે આવીને દર્શાવતા જ રહ્યા છે પરંતુ કચ્છનુ કમનશીબ કહો કે દુર્ભાગ્ય ગણો, અહીની સ્થાનિક નેતાગીરી-ઝભ્ભાલેંગાધારીઓ માત્ર અને માત્ર સસ્તીપ્રસિદ્ધીમાં જ રટ્ટ પડયા હોય તેવી રીતે કોરોનાની મહામારીમા પણ વર્તન થતુ હોય તેવો કચવાટ સામે આવી રહ્યો છે. આજે કચ્છમાં પણ કોરાનાને લઈને દિવસાદીવસ સ્થિતી તંગ બનતી જાય છે. દર્દીઓ ઉભરાઈ રહ્યા છે, ખાનગી હોસ્પિટલો-સરકારી સહિતના પથારીઓ-બેડ હાઉસફુલની સ્થિતીમાં છે. કોરોનાને માટે સંજીવનીરૂપ રેમડેસીવર ઈન્જેકશોનને લઈને પણ અછત જેવી સ્થિતી સર્જાઈ જવા પામી ગઈ હતી. ઓકસિજન અને વેન્ટીલેટરની પણ કપરી અવસ્થા દેખાવવા પામી રહી છે. તંત્ર માત્રને માત્ર આંકડાઓ જાહેર કરવામાં જ રસ દાખવી રહ્યું છે, વાસ્તવિકતા શુ છે, હકીકતમાં કયા શેની કેટલી જરૂરીયાતો છે તેની સાચી અને સચોટ માહીતીઓ કચ્છની પ્રજાના હિતમં મેળવવાના બદલે જિલ્લાના બની બેઠેલા આવા ઝભ્ભાલેંગાધારીઓ માત્ર માસ્કનું જ વિતરણ કરવામાં રટ્ટ પડયા છે. એટલુ માત્ર જ નહી પણ ખુદ માસ્ક વિતરણ કરી રહ્યા છે તેના ફોટાઓ-તસવીરો મોટા ઉપાડે મીડીયામાં પ્રસારિત કરાવી રહ્યા છે અને સોશ્યલ મીડીયા પર પણ તેને પોસ્ટ તરીકે મુકી રહ્યા છે. માસ્કનુ કામ બિનજરૂરી છે તેવુ કહેવાનો અહી અર્થ નથી પણ હકીકતમાં માસ્ક વિતરણની સેવાઓ અન્યો પણ કરી શકે તેવી છે, રાજકારણીઓએ તો હાલના સમયે કોવિદ કેર હોસ્પિટલ, પથારીઓ, વેન્ટીલેટર, ઓકસિજન, રેમડેસિવર ઈન્જેકશન જેવા પડકારજનક સાધનો-સવલતો ઉપલબ્ધ કરાવવાની જરૂરી છે. તે સુરતના એમએલએની જેમ આખેઆખી હોસ્પિટલ ઉભી ન કરાવી શકો સ્વખર્ચે તો વાંધો નહી પણ સરકારી માળખાંમાં તો સેવાઓ ઉપલબ્ધ કરાવો? જેના માટે પ્રજાએ તમને મત આપ્યા છે તેટલી તસ્દી તો લઈ દેખાડો..! આવો આક્રોશ હાલમાં જરૂરથી ફાટી નીકળે તે સહજ જ બની રહે છે.

ગાંધીધામમાં સ્વૈચ્છિક બંધ માટે સંયુક્ત આહ્‌વાન

ગાંધીધામ : ગાંધીધામ વિસ્તારના માનનીય ધારાસધ્ય માલતીબેન મહેશ્વરીના નેજા હેઠળ ગાંધીધામ ચેમ્બર ભવન મધ્યે યોજાયેલ સંયુક્ત બેઠકમાં ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, ગાંધીધામ ચેમ્બર પ્રમુખ અનિલ કુમાર જૈન, ગાંધીધામ વેપારી મંડળના પ્રમુખ રાજુભાઈ ચંદનાની અને શહેરના અગ્રણીઓ સાથેની સંયુક્ત બેઠકમાં વર્તમાન કોરોના પરિસ્થિતિની સમીક્ષા કરાઈ હતી.સર્વે દ્વારા સર્વાનુમતે હાલની પરિસ્થિતિને ખૂબજ વિષમ અને ગંભીર ગણાવી હતી અને પ્રવર્તમાન કોરોનાની વિસ્તરતી જતી સાંકળને તોડવા માટે અને શહેરની જનતાના આરોગ્યની સુખાકારી માટે બે દિવસ (શનિવાર તા.૧૭-૪ અને રવિવાર, તા.૧૮-૪-ર૦ર૧) સ્વૈચ્છિક બંધ પાળવામાં આવે તેવી જાહેર જનતાને અપીલ કરવા નક્કી કરવામાં આવ્યું હતું.જેથી ગાંધીધામ-આદિપુરના દુકાનો, બ્રાંડ સ્ટોર, મોલ, ઓફીસ સહિત તમામ ધંધાર્થીઓ અને જાહેર જનતાને બે દિવસ પોતાની નૈતિક જવાબદારી સમજી સ્વૈચ્છિક બંધ પાળી સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે.