વેલસ્પન પાસે એસબીઆઈના એટીએમમાં થયેલી ગાર્ડની હત્યાનો ભેદ ઉકેલાયો

દોઢ માસ પૂર્વે એટીએમમાં લૂંટના ઈરાદે ઘુસી આવેલા આરોપીઓ દ્વારા છરીના ઘા ઝીંકી નવ યુવાન ગાર્ડને રહેસી નખાયો હતો : પગારથી જીવન નિર્વાહ ન થતાં સામટી મુડી એક્ત્ર કરી ધંધો કરવાના ઈરાદે લૂંટને અંજામ અપાયાનું તારણ : ત્રણ આરોપીઓને એલસીબીએ પકડયા

ગાંધીધામ : અંજાર તાલુકામાં વેલસ્પન કંપની પાસે આવેલા એસબીઆઈ બેંકમાં એટીએમમાં લૂંટ કરવાના ઈરાદે આવેલ શખ્સો દ્વારા ગાર્ડની હત્યા કરાઈ હતી. જે કિસ્સામાં દોઢ માસ બાદ એલસીબીએ આરોપીઓની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી લીધો છે.

ગત ચાર ફેબ્રુઆરીના આ બનાવ બન્યો હતો, જેમાં એસબીઆઈના એટીએમમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ભાભરના ચંબુઆ ગામના રર વર્ષિય યુવાન નવીન મણિલાલ સોલંકીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયો હતો. આરોપીઓ એટીએમમાં લૂંટ કરવા પ્રવેશ્યા ત્યારે નવીને પ્રતિકાર કરતાં ઘટનાને અંજામ અપાયો હતો. રાત્રી દરમિયાન બનેલી આ ઘટનાએ આ પંથકમાં ભારે ચર્ચા જગાવી હતી. કારણ કે બનાસકાંઠાનો યુવાન નોકરી મેળવવા અંજારમાં આવ્યો અને થોડા દિવસોમાં પોતાના પ્રાણ ગુમાવવા પડ્યા હતા. આ ચકચારી કેસમાં એલસીબીએ તપાસ કરતાં આરોપીઓ ઉત્તરપ્રદેશના આઝમગઢમાં નાસી ગયા હોવાની હકિકત મળી હતી. જેથી યુપી પોલીસની મદદ લઈ આરોપીઓને ઝડપી લેવાયા છે. જેમાં આઝમગઢના રણવીરસિંગ વિનોદસિંગ રાજપૂત, વિશાલ રાજકુમાર રાજભર અને મહેશ ઓમકાર વાધ્યનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ વરસામેડી સીમમાં આવેલ બીએસ કોલોનીની ખોલીમાં રહેતા હતા. આ ઉપરાંત કાયદાના સંર્ઘષમાં એક બાળક પણ આવ્યો છે. આ કેસમાં શિવાનંદ ઉર્ફે સૂરજ સુરેન્દ્ર રાજભર નામનો આરોપી ફરાર છે. આરોપીઓ ઘટનાને અંજામ આપી પહેરેલા કપડા અને હથિયાર બાવળની ઝાડીમાં ફેકી ગયા હતા. જેની તપાસ ચાલુમાં છે. આ સંદર્ભે પોલીસ વડા મયૂર પાટિલે જણાવ્યું કે, આ મર્ડર કેસની તપાસ એલસીબીને સોંપાઈ હતી. જેમાં ત્રણ આરોપીની ધરપકડ થઈ છે, જેઓ ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના વતની હોવાનું સામે આવ્યું છે. તેઓ ૧૦ હજાર રૂપિયામાં નોકરી કરતા હતા. દસ હજાર રૂપિયા તેઓને ઓછા લાગતા હોવાથી એકી સાથે મુડી ભેગી કરી ધંધો કરવાના ઈરાદે લૂંટને અંજામ અપાયો હોવાનું પ્રાથમિક પુછતાછમાં જાણવા મળ્યું છે. આ કામગીરીમાં એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એસ.એસ. દેસાઈ, પીએસઆઈ બી.જે. જોષી સહિતનો સ્ટાફ જોડાયો હતો.