વેન્ટિલેટરની બૂમરાડ વચ્ચે આવતીકાલથી વિગતો કરાશે જાહેર : ડીડીઓ

મુખ્યમંત્રીએ 80 વેન્ટિલેટરની કરાયેલી જાહેરાત બાદ સાધનોની જોવાતી રાહ : આરટીપીસીઆર મશીનના ઈન્સટોલેશનની પ્રક્રિયા પ્રગતિમાં : ડીડીઓ ભવ્ય વર્મા

ભુજ : કચ્છમાં કોરોનાના કેસો જિનપ્રતિદિન વધી રહ્યા છે. અને કેટલાય ક્રિટીકલ કેસોમાં વેન્ટિલેટરની જરૂરિયાત ઉભી થતા લોકો વેન્ટિલેટર મળતા નથી. ક્યાં વેન્ટિલેટર ઉપલબ્ધ છે ક્યાં નહિ તેની અસમંજસતામાં દર્દીના પરિવારજનો વલખા મારી રહ્યા છે. ત્યારે આ અંગે યોગ્ય માહિતી જાહેર હિતમાં પૂરી પાડવા કચ્છ ઉદય દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને અપીલ કરાઈ હતી. ત્યારે આવતીકાલથી તંત્ર દ્વરા કોરોનાની યાદી સાથી બેડની અવેબિલિટી અને વેન્ટિલેટરની ઉપલબ્ધી અંગેની વિગતો પણ જારી કરાશે.

કચ્છમાં વેન્ટિલેટરની અછતને કારણે બૂમરાડ પડી ગઈ છે. કોરોના પોઝિટીવ દર્દીઓના સગાઓ વેન્ટિલેટર ક્યા ઉપલબ્ધ છે તેની દોડદાડમાં લાગી ગયા છે. મોટાભાગની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ વેન્ટિલેટર ખાલી નથી. ત્યારે કચ્છ ઉદય દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માને જિલ્લામાં વેન્ટિલેટરની અવેબિલ્ટી અંગેનો રોજે રોજનો રિપોર્ટ જાહેર હિતાર્થે આપવાની અપીલ કરાઈ હતી. જેથી લોકોને ખ્યાલ આવે અને વેન્ટિલેટરની જરૂરિયાત વાળા દર્દીઓના સગાઓને વલખા ન મારવા પડે. ત્યારે આ અંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતુ કે આવતીકાલથી વેન્ટિલેટર અંગેની વિગતો પ્રસિધ્ધ કરવામાં આવશે. જેમા કઈ હોસ્પિટલમાં કેટલા વેન્ટિલેટર છે અને હાલ કેટલા ખાલી છે, તેમજ તે હોસ્પિટલના કોન્ટેક્ટ નંબર પણ જાહેર કરાશે જેથી લોકોને માહિતી મળી રહે. આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા શનિવારે કચ્છમાં 80 નવા વેન્ટિલેટર આપવાની જાહેરાત થઈ હતી. તેનું શુ થયુ ફાળવણી થઈ કે કેમ… તેવુ પૂછતા તેમણે કહ્યુ હતુ કે, એ અમારી કમિટી મારફતે પ્રક્રિયા ચાલી રહી છે. હજુ સુધી નવા વેન્ટિલેટરો આવ્યા નથી. તો આરટીપીસીઆર ટેસ્ટ માટેના નવા મશીનના ઈન્સ્ટોલેશનની જાહેરાત પણ મુખ્યમંત્રી દ્વારા કરાઈ હતી. તેનું ઈન્સ્ટોલેશન ચાલતુ હોવાનું ડીડીઓ ભવ્ય વર્માએ ઉમેર્યુ હતુ.