વેક્સિનની રામાયણ : આજે ૧૮+માં સ્લોટ ડીક્લેર ન થતા યુવાનો અકળાયા

યુવાનો ૬ વાગ્યાની રાહ જોઈ સ્લોટ બુક કરાવવા તલપાપડ બન્યા, પરંતુ વેબસાઈટમાં સ્લોટ ન દેખાડતા ટિ્‌વટર પર ઠાલવ્યો બળાપો : અંતે ડીડીઓએ કહ્યું ટેકનિકલ ક્ષતિના કારણે વિલંબ થયો, નવો ટાઈમ આપીશું

ભુજ : હાલમાં ૧૮  વેક્સિનેશન શરૂ થયું છે, જેમાં ઓનલાઈન નોંધણી કરાવવા જિલ્લા પંચાયત દ્વારા સાંજે ૬ વાગ્યે સ્લોટ ઓપન કરવામાં આવે છે. જિલ્લામાં રસી લેવા લાભાર્થીઓની સંખ્યા વધુ અને સ્લોટ મર્યાદિત હોવાથી રસી લેવા ઈચ્છુક ઘણા યુવાનો સાંજે પ.૩૦ વાગ્યાથી જ હાથમાં મોબાઈલ લઈ સ્લોટ બુક કરાવવાની મહેનતમાંં લાગી જાય છે. આજે પણ ઘણા યુવાનોએ મહેનત કરી, પરંતુ વેબસાઈટ પર સ્લોટ અપલોડ ન થતાં લોકો રસી માટે નોંધણી કરાવી શક્યા ન હતા, જેથી ત્રસ્ત બનેલા યુવાનિયાઓએ ટિ્‌વટર પર ડીડીઓને ફરિયાદો પણ કરી હતી, જેથી ૬.૦ર કલાકે ડીડીઓએ ટિ્‌વટ કરીને માહિતી આપી કે, આજે કેટલીક ટેકનિકલ ક્ષતિઓના કારણે ૧૮  વેક્સિનેશનની કામગીરીમાં થોડો વિલંબ આવ્યો છે. નવા ટાઈમ અંગે જાણકારી આપવામાં આવશે. જાેકે, આજે વેક્સિન લેવા માટે ઉત્સાહ ધરાવનાર યુવાનોનો ઉત્સાહ સ્લોટ બુક ન થવાથી મંદ પડ્યો હતો. ડીડીઓના સ્પષ્ટતાના ટિ્‌વટમાં લોકોએ રમુજી સભર તેમજ વેધક કોમેન્ટો પણ કરી હતી.

જિલ્લા વિકાસના અધિકારી પર થયેલી કોમેન્ટોમાં  એક જણે કહ્યું હતું કે, હું મારી ક્રસ માટે સ્લોટ બુક કરાવવા મહેનત કરતો હતો, પણ મહેનત બરબાદ થઈ. બીજી કોમેન્ટમાં આજે જ વાઈફાઈનું રિચાર્જ કરાવ્યું હતું, તો અન્ય લોકોએ નવા ટાઈમ અંગે અડધો કલાક કે કલાક પૂર્વે આગોતરી જાણકારી આપવામાં આવે તેવી ટિપ્પણી કરી હતી, તો ઘણા લોકોએ રજીસ્ટ્રેશન ન થયાના લેપટોપ – મોબાઈલના દ્રશ્યો પણ અપલોડ કર્યા હતા.