વિરાયતનમાં ઓક્સિજન કોન્સનટ્રેટર મશીન અપાયા

માંડવી : ધર્મ, જાતિ, સંપ્રદાયના ભેદભાવથી દૂર માત્રને માત્ર માનવજાતિના કલ્યાણ માટે નિઃસ્વાર્થ ભાવથી કાર્ય કરતી સ્વૈચ્છીક સંસ્થાઓમાં આગવું નામ વીરાયતન છે. પૂજ્ય આચાર્ય ચંદનાજી દ્વારા ૫૦ વર્ષ પૂર્વ સ્થપાયેલી સંસ્થા દેશ વિદેશના અનેક કેન્દ્રોમાં માનવ સેવા એ જ પ્રભુ સેવાને લક્ષ્ય રાખી આધ્યાત્મિક વિકાસ, ઉત્કૃષ્ટ શિક્ષણ અને નિઃસ્વાર્થ સેવાભાવથી લોકહિતના કાર્યો કરી રહી છે. આ સંસ્થામાં જાતિ, ધર્મ કે લિંગના કોઈ પણ ભેદ ભાવ વિના સૌનો સંપૂર્ણ વિકાસ થાય છે. વિશેષરૂપથી કુદરતી મુશ્કેલીના કપરા સમયમાં રાહત કાર્યમાં વીરાયતનનું હંમેશા યોગદાન રહ્યું છે. છેલ્લા દોઢ વર્ષથી કોવીડ-૧૯ મહામારીથી પ્રભાવિત લોકો ખાસ કરીને આર્થિક રીતે નબળા લોકોને વીરાયતન દ્વારા સતત સહાય પ્રાપ્ત થઈ રહી છે. મોટી સંખ્યામાં ગામડાઓમાં ગરીબ અને જરૂરિયાત મંદ લોકોના જીવન જરૂરી ચીજાેની રાહત કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે.

મહામારીમાં સૌથી મોટી તકલીફ દર્દીઓને ઓક્સિજનની અછતના કારણથી થઇ રહી છે. હોસ્પિટલોમાં પણ દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતું ન હોય, જેનાથી દર્દીઓ ખુબ હેરાન થાય છે. દર્દીઓની મુશ્કેલી દૂર થાય એના માટે વીરાયતનમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેન્ક બનાવવામાં આવી છે. જે ગામડાઓ અથવા શહેરી વિસ્તારમાં જે પણ દર્દીઓને ઓક્સિજનની જરૂર હોય એ વીરાયતન જખણીયાના કેમ્પસમાં આવી કોન્સન્ટ્રેટર મશીનના ઉપયોગની ટ્રેનિંગ સાથે ફાર્મસી કોલજમાંથી નિઃશુલ્ક રૂપથી કોન્સન્ટ્રેટર મશીન એના ઘેર લઇ જઈ શકે અને સારવાર પછી દર્દીઓને કોન્સન્ટ્રેટર વીરાયતનમાં પરત આપવાનું રહેશે. જેનાથી આ વ્યવસ્થા બીજા દર્દીને પણ ઉપલબ્ધ થઇ શકે. આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેન્કથી મોટી સંખ્યામાં દર્દીઓને લાભ થશે. એના સાથે આચાર્ય ચંદનાજીના આશીર્વાદથી પૂજ્ય સાધ્વી શિલાપીજી મહારાજના હસ્તે આર્યન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, માંડવી, મુન્દ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, અને એન્કરવાલા જનરલ હોસ્પીટલ, મસ્કા હોસ્પિટલોમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન વીરાયતન દ્વારા અર્પણ કરવામાં આવેલ છે. હોસ્પિટલોના ચીફ ડો. કૌશિક શાહે જણાવ્યું છે કે આ ઓક્સિજન કોન્સન્ટ્રેટરોથી કોવીડ દર્દીઓને તો મોટી રાહત રહેશે તેમજ બીજી પણ ફેફસાની બીમારીઓથી પીડાતા દર્દીઓને આ મશીનથી સારો ફાયદો થશે.