વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાને અંતે તાળા

કચ્છમાં નોંધાયેલી પ૪,૧૦૬ વિધાર્થીનીઓ પૈકી ર૦,૪પ૮ને જ મળ્યો લાભ, ૩૩૬૪૮ દિકરીઓને ન મળ્યા બોન્ડ : યોજના અંતર્ગત ધો. ૧ માં દિકરી પ્રવેશ મેળવે ત્યારે ર હજારના બોન્ડ અપાતા, ધો. ૮ પાસ કરે ત્યારે મુદત પાકી જતા કરાતું હતું ચુકવણું : ચાલુ વર્ષે જે વિદ્યાર્થિનીએ ધો.૮ પાસ કર્યું હોય તેમને બોન્ડની પાકતી રકમ સત્વરે આપવા સૂચના

(બ્યુરો દ્વારા)ભુજ : કચ્છ જેવા દુર્ગમ વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે વધારો થાય તે માટે સરકાર હંમેશા કટીબદ્ધ હોય છે. કચ્છ સહિત રાજ્યના વિધાર્થીનીઓ ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રમાં આગળ વધે તે માટે ભાજપ સરકારે ર૦૦ર-૦૩માં તે સમયના મુખ્યમંત્રીના હસ્તે શરૂ કરાયેલી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાને અંતે બંધ કરવામાં આવી છે. રાજ્ય સરકારે તે વખતે વિધાર્થીનીઓ ઉચ્ચ અભ્યાસ કરે તે માટે યોજના બનાવી હતી, જે ૧૯ વર્ષે બંધ કરવામાં આવી છે.આ યોજનાનો કચ્છમાં કેટલા વિધાર્થીઓને લાભ મળ્યો તે સહિતની વિગતોની તપાસ કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં જાણવા મળ્યું કે, કચ્છમાં કુલ્લ પ૪,૧૦૬ વિધાર્થીનીઓ આ યોજનામાં જોડાઈ હતી, પરંતુ ર૦,૪પ૮ વિધાર્થીઓને જ બોન્ડનો લાભ મળ્યો હતો. આ યોજનાનો મુળ હેતુ પણ સિદ્ધ થયો તેવો લાગતો નથી. કારણ કે યોજનામાં ૩૩,૬૪૮ વિધાર્થીનીઓ લાભથી વંચિત રહી ગઈ છે.આ અંગેની વિગતો મુજબ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની કન્યાઓના સાક્ષરતા દર વધારવા અને શિક્ષણમાં કન્યાઓને આગળ લાવવા માટે સરકાર દ્વારા વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના શરૂ કરી હતી. ગામડાઓમાં રહેતી અને ગરીબ પછાત તેમજ અન્ય સમાજ તેમજ વર્ગની કન્યાઓ રહેતી હોય છે તેઓ શિક્ષણથી વંચિત રહેતી હતી. જેથી તેઓ સ્કૂલમાં જતી થાય તેમજ તેમના માતાપિતાને પણ આર્થિક મદદ મળી રહે તે માટે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના સરકાર દ્વારા ૨૦૦૨-૦૩થી અમલમાં લાવવામાં આવી હતી.રાજ્યમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધારવા માટે જે ગામડાંમાં સ્ત્રી સાક્ષરતા દર ૩૫ ટકાથી ઓછું હોય તેવા ગામોમાં ધો.૧થી ૧૦૦ ટકા કન્યાઓનું નામાંકન થાય અને નવા પ્રવેશ વધે તેમજ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થિની ધો.૭ સુધી અભ્યાસ ચાલુ રાખે તે માટે આ યોજના તૈયાર કરાઈ હતી.આ યોજનામાં ધો.૧માં પ્રવેશ મેળવનાર કન્યાને રૂ. ૨ હજારના નર્મદા શ્રીનિધિના બોન્ડ સહાયરૂપે આપવામાં આવતા હતા. આ બોન્ડની રકમ કન્યા જ્યારે ધો.૮માં અભ્યાસ પુર્ણ કરે ત્યારે આ રકમ વ્યાજ સહિત કન્યાને ચુકવવામાં આવતી હતી. જો કે, સરકારે આ યોજના બંધ કરી નાખી છે. કચ્છમાં સરકારી આંકડા પ્રમાણે ૩૩૬૪૮ વિદ્યાર્થીઓને ચુકવણું કરાયું નથી. જો કે આમાંથી અમુક બાળકીઓ એવી છે કે, જેઓએ ધો. ૮ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો નથી. જેથી તેઓ લાભથી વંચીત રહી છે. ઘણી દિકરીઓએ અભ્યાસ પૂર્ણ કર્યું છતાં પણ બોન્ડ મળ્યા નથી, ત્યારે આવા વાલીઓએ પોતાની શાળામાં જઈ શિક્ષકો અને આચાર્યોને આ બાબતનું ધ્યાન દોરી સત્વરે બોન્ડની રકમ મેળવી લેવી જોઈએ.