વાવાઝોડાના પગલે ભુજનો વોક-વે ખાલી કરાવાયો : લોકોને ઘરે જવા પોલીસની સૂચના

ભુજ : તાઉતે વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાવવાનું છે. ૧૭ કિ.મી. પ્રતિકલાકની ઝડપે દરિયામાં વાવાઝોડું આગળ વધી રહ્યું છે. આજે રાત્રે પોરબંદર અને મહુવા વચ્ચે વાવાઝોડું પ્રવેશવાની શક્યતા હોવાથી કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અને પવન ફુંકાવાની આગાહી વ્યક્ત કરાઈ છે. આજે રાતથી વાવાઝોડાની અસર ભુજ સહિત જિલ્લામાં દેખાવાની હોવાથી પ્રશાસન સતર્ક બન્યું છે. પોલીસ દ્વારા સાંજના સમયે બિનજરૂરી બહાર ફરતા દેખાયેલા લોકોને ઘરે જવા સ્પષ્ટ શબ્દોમાં સૂચના અપાઈ હતી. શહેરના વોક-વે, ખેંગાર બાગ, લેકવ્યુ, હમીરસર સહિતના વિસ્તારોમાં સાંજના સમયે લોકોની ભારે અવર-જવર હોય છે ત્યારે એ ડિવિઝન પોલીસ સહિતની ટીમોએ વાવાઝોડાના કારણે લોકોને ત્વરીત ઘરે જવા સૂચના આપી હતી. થોડીવારમાં જ ભુજના હાર્દ સમો આ વિસ્તાર વાવાઝોડાના કારણે ખાલી કરી દેવાયો હતો. આ ઉપરાંત સમગ્ર શહેરમાં જ્યાં પણ લોકો બિનજરૂરી દેખાયા તેઓને પોલીસ દ્વારા ઘરે પહોંચવા તાકીદ કરાઈ હતી. ઉપરાંત દરેક ચાર રસ્તા, મેઈન હાઈવે, જાહેર સ્થળોએ પોલીસ સ્ટાફને તૈનાત કરી દેવાયા છે.