વાવાઝોડાંમાં મુંબઇ બેઠાં માદરે વતનની વ્હારે કચ્છીઓ : “મા” સંસ્થાએ આશરો આપ્યો શ્રમિકોને

લખપતના નરા ખાતે ૨૧૪ શ્રમિકોને આશરો

સંભવિત વાવાઝોડા તાઉતે ૨૦૨૧ના ત્રાટકવાના પગલે વહીવટી તંત્રની તકેદારી અને સલામતીના ભાગરૂપે જિલ્લાના ૭ તાલુકાના કાંઠાળ વિસ્તારના ૯૨ ગામોમાંથી અસર પામે તેવા શ્રમિકો, અગરીયા અને માછીમારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અડધી રાત હતી શ્રમિકોની સલામતી અને પ્રાથમિક સુવિધાની તડામાર તૈયારી વચ્ચે જિલ્લા અને ભુજ તાલુકા વહીવટી તંત્રે અડધી રાત્રે મુંબઇ વીડીયો કોલ કર્યો. “ રાતોરાત અમારે તમારી ગૌશાળામાં ૨૦૦ ઉપરાંત શ્રમિકો પરિવારોને રોકાણ કરાવવું પડશે. આપદા બાદ પુનઃ તેમના નિજ સ્થાને તેઓ પહોંચશે” અને સામેથી સંસ્થાના દરવાજા ખુલ્લા છે એમ પ્રતિભાવ મળ્યો. લખપત તાલુકાનું છેવાડાનું અંતરીયાળ નાનું ગામ નરા !! જયાં ૧૬ એકરમાં શ્રી મા ચેરીટેબલ ટ્રસ્ટ નરા ગૌશાળામાં ૪૦૦ ગાયો નિભાવ થઇ રહયો છે. પવિત્ર હાજીપીરની બાજુમાં આવેલ છે. મીઠાની કંપનીમાં કામ કરતા ૨૦૦થી વધારે શ્રમિકોને પોલીસ અને તંત્ર દ્વારા રાતોરાત સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા. રાતનો સમય, નાનું ગામ અને અચાનક ૨૦૦ જણાંને જમવાની વ્યવસ્થા કરવાની થઇ. અડધી રાત્રે ગામની કરિયાણાંની દુકાન ખોલાવી અને રાંધણના તપેલાં ચઢાવ્યા હતા બીજા દિવસની ચા-નાસ્તો-ભોજન અને આશરો મેળવતા શરણાર્થીઓને મા ચેરીટેબલ ટ્રસ્ટની ગૌશાળામાં જાણે ગૌ મા નો ખોળો મળ્યો હોય એટલી ટાઢક વળી હતી. અચાનક આવેલી આપદામાં શ્રમિકોને વાવાઝોડાંનો ખતરો ટળતાં તેઓ સ્વસ્થાને પરત ફરે ત્યાં સુધી રહેવા જમાવાની વ્યવસ્થા આ ગૌશાળા અને તંત્ર દ્વારા કરવામાં આવી હતી. મુંબઇ વસતા ટ્રસ્ટી અશ્વિનભાઇ ચંદન અને ભરતભાઇ બારૂએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, માદરે વતન વિપદામાં હોય અને કચ્છીમાડુઓ કયાંય પાછી પાની ના ભરીએ. મા નું છે ને ધરતી મા માટે વાપરવાનું છે. વાવાઝોડું કે કોઇપણ આપદા આવે અમે સેવા સહકાર આપી આનંદ અનુભવીએ છીએ. લખપત મામલતદારશ્રી એ.એન.સોલંકી જણાવે છે કે, ખાનગી કંપનીના શ્રમિકોને ભુજ વહીવટી તંત્રે તત્કાળ અસર પામે તેવા સ્થાનોથી લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું. જેમાં સત્યેશ લાઇન કંપનીના ૨૧૪ શ્રમિકોને રહેવા જમવાની વ્યવસ્થા નરા ગૌશાળાએ કરી હતી તેમજ તેમને લાવવા મુકવા તેમની કંપની બસ આપી હતી. તેમજ આ સિવાય તાલુકામાં બરંદા પ્રાથમિક હાઈસ્કૂલ, ઘડુલી પ્રાથમિક શાળા, મોરી પ્રાથમિક શાળા થઇને કુલ ૪ આશ્રય સ્થાનો પર ૪૧૩ લોકોને રાખવામાં આવ્યા હતા. તાઉતેની સંભાવનાના પગલે કંપનીના પરપ્રાંતિય શ્રમિકોને સલામતી માટે મામલતદારશ્રી, સમાજ કલ્યાણ અધિકારીશ્રી બારોટ અમારા શ્રમિકોને ગૌશાળા ખસેડવા જણાવ્યું હતું. વાવાઝોડું પસાર થયા બાદ હાલે તેઓ કામ પર પરત ફર્યા છે એમ કંપની મેનેજર વિજયસિંહ જાડેજા જણાવે છે.