વાગલખોડ ગામમાં ૧૧ લોકોનો યુવક પર જીવલેણ હુમલોઃ પોલીસ ફરિયાદ નોંધાઇ

(જી.એન.એસ.)ભરુચ,વાલિયા તાલુકાનાં વાગલખોડ ગામના ટાંકી ફળિયામાં પાંચ મહિલાઓ સહિત ૧૧ લોકોએ નજીવી બાબતે ૨૮ વર્ષીય યુવક પર જીવલેણ હુમલો કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ વચ્ચે પડેલા અન્ય એક યુવકને પણ ઇજાઓ પહોંચી છે.મળતી માહિતી મુજબ, વાલિયા તાલુકાનાં વાગલખોડ ગામમાં રહેતો ૨૮ વર્ષીય નિતેશ વસાવા ગઇકાલે સાંજના સમયે પોતાના ખેતર જઇ રહ્યો હતો, તે દરમિયાન ગામમાં જ રહેતા કેશુર વસાવા, અરવિંદ વસાવા, મહેન્દ્ર વસાવા, યોગેશ વસાવા, પિયુષ વસાવા, નટવર વસાવા, દિપ્તેશ વસાવા અને પાંચ મહિલા સહિત ૧૧થી વધુ માથાભારે તત્વોએ તેને અટકાવ્યો હતો અને તારી બહેન ગામની સરપંચ છે એટલે તું ડોન બની ગયો છે તેમ કહી અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો અને આવશેમાં આવી ગયેલા આ તમામ શખ્સો નિતેશ વસાવા પર મારક હથિયાર સાથે તૂટી પડ્યા હતા.આ ઝઘડામાં નિતેશ વસાવાને બચાવવા વચ્ચે પડેલા શિવા વસાવાને પણ ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત બંનેને વાલિયા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બનાવ અંગે વાલિયા પોલીસે પાંચ મહિલા સહિત ૧૧ માથાભારે તત્વો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે