વાગડમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવા કલેક્ટરે રાપરની લીધી મુલાકાત

કોરોનાના વધી રહેલા કેસોને પગલે વહીવટી તંત્ર આવ્યું હરકતમાં

રાપર : વાગડ વિસ્તારમાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોનાના કેસો અંગે વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યા છે. ત્યારે આજે રાપર આઇટીઆઇ, મોર્ડન સ્કૂલ તેમજ ખાનગી સંસ્થાઓની હોસ્પિટલમાં રાપર તાલુકામાં આવતા કોરોના કેસના દર્દીઓને સારવાર મળી રહે તે માટે 30થી વધુ હોસ્પિટલ શરૂ કરવા જિલ્લા વહીવટી તંત્રએ કમરકસી છે. ત્યારે આજે રાપર ખાતે એકાએક જિલ્લા સમાહર્તા તેમજ અધિક કલેકટર અને ઉચ્ચાધિકારીની મુલાકાતથી સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ થયું હતું. આજે કલેકટરની મુલાકાત દરમિયાન કોરોના અંગે કોવિડ 19 અંતર્ગત નિયમોનો કડક અમલ કરવા તેમજ સામાજિક અંતર રાખવા સહિતના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય તંત્ર દ્વારા જાગૃત કરવા સુચના અપાઈ હતી. આ મુલાકાત સમયે જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે, અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, ભચાઉ પ્રાંત અધિકારી પી.એ જાડેજા, જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતિ, રાપર તાલુકા મામલતદાર એચ.જી પ્રજાપતિ, ચીફ ઓફિસર મૌલિક વૈશ, બાંધકામ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એચ.વી. જાની, નાયબ મામલતદાર ભીખાભાઈ કોરાટ, મદદનીશ ઈજનેર ભરતભાઈ નાથાણી, આચાર્ય પી.બી. ઝાલા, નાયબ મામલતદાર મહેશ ઠક્કર, નિકુલસિંહ વાધેલા, અર્બન હેલ્થ સેન્ટરના ડો. પૌલ તેમજ અન્ય આરોગ્ય વિભાગના અધિકારી, નરેશ ચૌધરી કનુભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.