વાગડની પાંજરાપોળો રખડતા ઢોરોને સંભાળવામાં કરતી પાછીપાની

દાન ઉઘરાવવા મુંબઈ સુધી દોડતા જીવદયાપ્રેમીઓ ઢોરોની સાચવણી માટે નથી લેતા કોઈ કાળજી : સંસ્થાઓની તપાસ થાય તો મોટી ઉંચનીચ પણ આવે સામે

ભચાઉ : વાગડ સૌથી આગળનું સૂત્ર જીવદયા ક્ષેત્રે પણ લાગુ પડે છે. દેશના ખૂણે-ખૂણે વસતા વાગડવાસીઓ જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે દાનનો ધોધ વહાવતા હોય છે. વાગડની પાંજરાપોળો પણ દાતાઓના સહકારથી જ નભી રહી છે. જોકે, કોરોના કાળને પગલે દાનનો પ્રવાહ મંદ પડ્યો હોઈ સરકારી સબસિડીનો પણ લાભ લેવાઈ રહ્યો છે તેમ છતાં રખડતા ઢોરોને સાચવવામાં આ સંસ્થાઓ પાછીપાની કરી રહી છે. ભચાઉ, આધોઈ, લાકડિયા, વોંધ, મનફરા, પાંકડસર, કટારિયા, જંગી, નેર સહિત અનેક વિસ્તારોમાં પાંજરાપોળ આવેલી છે. આ તમામ સંસ્થાઓ સરકારી યોજનાઓનો પણ પુરતો લાભ લઈ રહી છે, પરંતુ રખડતા ઢોરોને સાચવવામાં ક્યારે આગળ આવતી નથી. ભચાઉ શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરોનો ત્રાસ અતિશય વધ્યો છે. ટ્રાફિક જામની સમસ્યા સર્જાવાની સાથો સાથ અવાર-નવાર અકસ્માતો પણ સર્જાતા રહેતા હોય છે. પાંજરાપોળો તો આવા પશુઓ માટે આગળ આવતી નથી જ, તેની સાથો સાથ દાન ઉઘરાવવા મુંબઈ સુધી દોડનારા કહેવાતા જીવદયાપ્રેમીઓ પણ કોઈ કાળજી લઈ રહ્યા નથી. પાંજરાપોળોની તટસ્થ તપાસ થાય તો અનેક ઉંચ-નીચ પણ બહાર આવી શકે તેમ છે.